
સુરત, 20 જૂન (હિ.સ.) ડીંડોલીમાં કરાડવા ગામ ખાતે રહેતા વેપારી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. સાયબર માફિયાઓએ તેમને બોગસ ઇમેઇલથી વિદેશી કંપનીનો લિગલ હેડ તરીકે ઓળખ આપી સ્ટાર્ટઅપમાં રોકાણના બહાને રૂપિયા 94 લાખ પડાવી લીધા હતા. ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ બનાવ અંગે ડીંડોલીના કરાડવા ગામ ખાતે ઓમ સાંઇ બંગ્લોઝમાં રહેતા વિનુ ફકિરભાઇ બંડોલેકરે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, .24 માર્ચ 2026થી 4 મે 2026 દરમિયાન અજાણ્યા શખ્સે વિદેશની કંપનીના લિગલ હેડ તરીકે ઓળખ આપી બોગસ ઇમેઇલ આઇડી પરથી તેમને મેઇલ કર્યા હતા. જેમાં સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માટેની ઓફર આપી નકલી કુટલેખનવાળા ડોક્યુમેન્ટ મોકલ્યા હતા.સાયબર માફિયાની વાતોમાં આવી વિનુભાઈએ તેમના કહેવા મુજબ અલગ અલગ બેન્કના ખાતામાં .30 એપ્રિલના રોજ 1,00,000 યુએસ ડોલર એટલે કે આશરે રૂ. 94 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
રોકાણના નામે રૂપિયા ટ્રાન્સફર થયા બાદ કોઈ પ્રતિક્રિયા ન મળતા વિનુભાઈને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોંધાવતા સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે બોગસ ઇમેઇલ આઇડી, બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે