
નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.). રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (નીટ) પુનઃપરીક્ષાને લઈને એક વિદ્યાર્થીને એડમિટ કાર્ડમાં ખોટું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવવાના મામલાએ રાજકીય રંગ પકડ્યો છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને તેને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ગણાવ્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે, નાગપુરના એક વિદ્યાર્થીને પુનઃપરીક્ષા માટે જારી કરાયેલા એડમિટ કાર્ડમાં અબુ ધાબી સ્થિત પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું, જ્યારે વિદ્યાર્થી પાસે પાસપોર્ટ નથી અને તેના પરિવાર પાસે વિદેશ જઈને પરીક્ષા આપવા માટે જરૂરી આર્થિક સંસાધનો પણ નથી.
તેમણે કહ્યું કે, પરીક્ષાની તારીખ ખૂબ નજીક હોવાને કારણે વિદ્યાર્થી પાસે આ ભૂલ સુધારવા માટે પૂરતો સમય પણ બચ્યો ન હતો. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, આ ગંભીર વહીવટી ખામીને કારણે વિદ્યાર્થી માનસિક તણાવમાં આવી ગયો અને આખી રાત રડતો રહ્યો, ત્યારબાદ તેણે પરીક્ષામાં બેસવાનો જ ઇનકાર કરી દીધો.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આ સ્થિતિ દેશની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે, વર્તમાન વ્યવસ્થા વિદ્યાર્થીઓના ભવિષ્ય, સમય અને માનસિક શાંતિ સાથે રમત રમી રહી છે અને તેને તાત્કાલિક સુધારવાની જરૂર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, બાળકોના ભવિષ્ય સાથે આ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી અને તેમને વધુ સંવેદનશીલ, જવાબદાર અને જવાબદેહ પરીક્ષા પ્રણાલીની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલો સામે આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ફરિયાદ પર ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે યોગ્ય ચકાસણી બાદ સંબંધિત ઉમેદવારને નાગપુરમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે અને નવું એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે.
એનટીએ એ જણાવ્યું કે, સંબંધિત વિદ્યાર્થી અબ્દુલ્લા મોહમ્મદ તાલિબને ટેકનિકલ ખામીના કારણે ભૂલથી અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું, જેને સુધારવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ