
ભાવનગર, 20 જૂન (હિ.સ.) : ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોને લગતા પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન તુમારના નિકાલ, વિવિધ પ્રકારની વસુલાતની કામગીરી, પેન્શન કેસોની સ્થિતિ, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળ મળતી અરજીઓ તેમજ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. બંસલે સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી અને બાકી રહેલા પ્રશ્નોના સમયબદ્ધ નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેક્ટરે ખાસ કરીને પ્રજાજનો દ્વારા રજૂ થતી અરજીઓ અને ફરિયાદોના સંવેદનશીલતાપૂર્વક નિકાલ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શાસનની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ સામાન્ય નાગરિક સુધી સરળતાથી પહોંચે તે માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે કાર્ય કરવું જરૂરી છે. આ ઉપરાંત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નોનો પણ રિવ્યુ કરવામાં આવ્યો હતો. સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ નોંધાયેલા પ્રશ્નોની હાલની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ કલેક્ટરની રૂબરૂ મુલાકાત દરમિયાન પ્રજાજનો દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીઓ અંગે પણ વિભાગવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકના અંતે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે અધિકારીઓને નાગરિક કેન્દ્રિત અભિગમ અપનાવી કામગીરીમાં વધુ ગતિ લાવવા, ફરિયાદોના સમયસર નિકાલને પ્રાથમિકતા આપવા અને સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા સૂચના આપી હતી. આ બેઠક જિલ્લાના વહીવટી તંત્ર અને પ્રજાજનો વચ્ચે વધુ સારા સંકલન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA