
-છેલ્લા કેટલાક દિવસોમાં નગરના વિવિધ વિસ્તારોમાંથી છથી વધુ સાયકલોની ચોરી, પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ
છોટાઉદેપુર , 20 જૂન (હિ.સ.) પાવીજેતપુર નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોળે દિવસે સાયકલો ચોરી થવાના બનાવોમાં વધારો થતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરના વિવિધ વિસ્તારોમાંથી સાયકલો ચોરાઈ જવાની ઘટનાઓ સામે આવતાં સ્થાનિક રહેવાસીઓએ પોલીસ દ્વારા વધુ સતર્કતા રાખી ચોરીના બનાવો અટકાવવા માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં ખત્રી ફળિયામાં એક પરિવાર દ્વારા ઘરની બાજુમાં ઠંડકમાં સ્પોર્ટ્સ સાયકલ પાર્ક કરવામાં આવી હતી. સાંજે આશરે પાંચ વાગ્યે બાળક સાયકલ ચલાવવા માટે ગયો ત્યારે સાયકલ ત્યાંથી ગુમ હોવાનું જણાયું હતું. પરિવારજનોએ આસપાસ શોધખોળ હાથ ધરી હતી તેમજ સ્થાનિક રહેવાસીઓની પૂછપરછ કરી હતી. આ દરમિયાન નજીકના ફળિયાની કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે બપોરના સમયે પેન્ટ-શર્ટ પહેરેલો એક વ્યક્તિ સાયકલ લઈને જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા એક આધેડ વયનો વ્યક્તિ માથે કેપ પહેરીને બપોરે આશરે ૩:૫૦ વાગ્યે ખત્રી ફળિયામાં પ્રવેશ કરી નિર્ભયતાથી સાયકલ લઈ જતો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. ફૂટેજ મુજબ તે વ્યક્તિ સાયકલ લઈને નજીકના ફળિયાઓમાંથી પસાર થઈ હાઇવે તરફ જતો જોવા મળે છે.
વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં નાની બજાર વિસ્તારમાંથી બે સાયકલો, બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી એક, સ્ટેશન વિસ્તારમાંથી એક તેમજ છોટાઉદેપુર હાઇવે રોડ અને રેલવે ફાટક વચ્ચેના વિસ્તારમાંથી એક સાયકલ ચોરાઈ જવા પામી છે. આમ કુલ છ જેટલી સાયકલોની ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે પાંચથી દસ હજાર રૂપિયાની કિંમત ધરાવતી સાયકલોની ચોરી અંગે ઘણા લોકો પોલીસ ફરિયાદ નોંધાવવા જતાં નથી. જેના કારણે વાસ્તવિક ચોરીના બનાવોની સંખ્યા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. નગરજનોનું કહેવું છે કે ધોળે દિવસે જ જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાંથી સાયકલો ચોરાઈ રહી હોવાથી લોકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ચોરને ઝડપે તથા નગરમાં પેટ્રોલિંગ વધારી આવા બનાવો પર અંકુશ મૂકે તેવી માંગ ઉઠી છે.
સાયકલ ચોરીથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત
પાવીજેતપુરમાં મોટાભાગના વિદ્યાર્થીઓ શાળા અને ટ્યુશન માટે સાયકલનો ઉપયોગ કરતા હોવાથી સતત વધી રહેલી ચોરીની ઘટનાઓથી વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ચિંતા વ્યાપી છે. સાયકલ પાર્ક કરતી વખતે વધુ સાવચેતી રાખવા તેમજ લોક લગાવી સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ