
અમદાવાદ,20 જૂન (હિ.સ.) અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપી મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ટીઆરપી મોલમાં આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.
જોકે, ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગઇકાલે રાત્રે ટીઆરપી મોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બેગની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. બેગની દુકાનમાં આગ લાગી હોવાના કારણે ખૂબ જ ધુમાડો થયો હતો.
ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ બોપલ વિસ્તારમાં ટીઆરપી મોલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનમાં આગ લાગી હોવા અંગેનો મેસેજ મળતા બોપલ ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી.
ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી નવકાર એન્ટરપ્રાઇઝ નામની નાની બેગ અને લગેજની બેગની દુકાનમાં આગ લાગેલી હતી અને ખૂબ જ ધુમાડા થતા હતા.
ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ લીધી હતી. જોકે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો બહાર નીકળતો હતો. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ