
- વેરાવળ, ઉના, સૂત્રાપાડા સહિત તાલુકા-જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજાયા
ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) : કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના અંતર્ગત પશ્ચિમ બંગાળના તારકેશ્વર, હુગલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજનાના 23મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સમાનાંતર ગીર સોમનાથ જિલ્લામાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોમાં મિલેટ્સનો વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને તેનું મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરી શકે એવા હેતુસર તાલુકા-જિલ્લાકક્ષાએ ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ હતી.
પ્રભાસ પાટણના રામમંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ સંશોધન વૈજ્ઞાનિક પૂજાબહેન નકુમ દ્વારા ખેડૂતોને અલ-નીનોની અસરથી બચવાના ઉપાયો, શરીર માટે મિલેટ્સ પાકોનું મહત્વ, પ્રાકૃતિક કૃષિના પંચઆયામો અને પશુપાલનનો સમન્વય તેમજ સૂક્ષ્મ હિંચાઈ પદ્ધતિ, બાગાયતી-ધાન્ય પાકનું વાવેતર સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી ખેડૂતલક્ષી પદ્ધતિઓ વિશે જાણકારી પૂરી પાડી હતી.
મદદનીશ ખેતી નિયામક જયદિપસિંહ ચૌહાણે આઈ ખેડૂત એપ્લીકેશન, કૃષિ પ્રગતિ એપ્લીકેશન તેમજ રૂ.૪ લાખની સહાય મળવાપાત્ર છે તે ખેડૂત ખાતેદાર અકસ્માત યોજના સહિત ટ્રેક્ટર સહાય તાર ફેન્સીંગ સહાય જેવી સરકારી યોજનાઓના લાભાલાભ વિશેની માહિતી પૂરી પાડી હતી.
આ તકે, રામમંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતોને તેલિબિયાં યોજના હેઠળ પ્રમાણિત બિયારણમાં સહાયના મંજૂરી હૂકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાન બારડ, તાલુકા પંચાયત પ્રમુખ નાથી વાજા, ઉપપ્રમુખ હંસા ચૂડાસમા સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત જિલ્લાના વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK), ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (FPO), કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓ (APMC), પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSK), પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS) તેમજ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, જેવા સ્થળોએ પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ