
પોરબંદર, 20 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાંયા સ્થિત મહેર સમાજ વાડી ખાતે આયોજિત “વિકસિત ભારત જનકલ્યાણ શિબિર” અનેક લાભાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આવી જ એક લાભાર્થી તરીકે છાંયા વિસ્તારમાં રહેતા અને કાપડની ફેરીનો વ્યવસાય કરતા ગીતાબેન માલમએ શિબિરની મુલાકાત લઈ પીએમ સ્વનિધી યોજના હેઠળ લોન માટેનું ફોર્મ ભર્યું હતું. ગીતાબેને જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી પોતાના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવા ઇચ્છતા હતા, પરંતુ લોન મેળવવાની પ્રક્રિયા અંગે પૂરતી માહિતી અને માર્ગદર્શનના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જનકલ્યાણ શિબિરમાં એક જ સ્થળે જરૂરી માર્ગદર્શન અને સહાય મળતાં તેમણે પીએમ સ્વનિધી યોજનાનું ફોર્મ સરળતાથી ભરી શક્યા હતા. તેમણે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હવે તેમની લોનની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થશે અને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. ઘરઆંગણે જ સરકારી સેવાઓ ઉપલબ્ધ થતાં તેમનું કામ ખૂબ સરળ બની ગયું છે. ગીતાબેને આશા વ્યક્ત કરી હતી કે પીએમ સ્વનિધી યોજના હેઠળ મળનારી સહાયથી તેઓ પોતાના કાપડના વ્યવસાયને વધુ વિકસાવી શકશે, રોજગારીની તકો વધારી શકશે તેમજ આર્થિક રીતે વધુ સશક્ત અને આત્મનિર્ભર બની શકશે. જનકલ્યાણ શિબિર મારફતે સરળતાથી યોજનાનો લાભ મળતાં ગીતાબેન માલમે પ્રધાનમંત્રી, રાજ્ય સરકાર અને પોરબંદર મહાનગરપાલિકાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya