
પોરબંદર, 20 જૂન (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન કોર્પોરેટરઓને મળનારા માનદ વેતન અને અન્ય ભથ્થાઓ અંગેનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વોર્ડ નં. 6 ના કોર્પોરેટર અફઝલ યુસુફ અફીણી (પટેલ) દ્વારા લોકહિતમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટર તરીકે મળનાર માનદ વેતન તથા અન્ય ભથ્થાઓનો લાભ સ્વૈચ્છિક રીતે નહીં લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
અફઝલ અફીણી (પટેલ)એ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં સેવા એ જ તેમનો મુખ્ય ધ્યેય છે અને પ્રજાના હિતને સર્વોપરી રાખીને તેમણે આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત તેમણે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતીને લેખિત જાણ કરી આ રકમનો ઉપયોગ શહેરના લોકઉપયોગી અને જનકલ્યાણના કાર્યોમાં કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી છે. તેમના આ નિર્ણયને કોર્પોરેટરો અને અધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો. જાહેર જીવનમાં નિઃસ્વાર્થ સેવા અને જનહિત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું આ એક ઉત્તમ ઉદાહરણ હોવાનું જણાવાયું હતું.
વોર્ડ નં.6 ના કોર્પોરેટર અફઝલ યુસુફ અફીણી (પટેલ)ના આ નિર્ણયથી જનપ્રતિનિધિઓમાં લોકસેવાની ભાવના વધુ મજબૂત બનશે અને જનહિતના કાર્યોને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya