



-ખાણ-ખનિજ વિભાગ અને પોલીસની સંયુક્ત મેગા રેડ: ગેરકાયદે ખનન માફિયાઓમાં ફફડાંટ
-ત્રણ હાઈવા, બે પોર્કલેન સહિત કુલ 1.2કરોડનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ 20 જૂન (હિ.સ.)સમગ્ર પંથકમાં બેફામ બનેલા ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ વસૂલાતની કડક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રશાસનની આ અચાનક અને કડક કાર્યવાહીના પગલે સમગ્ર પંથકના ગેરકાયદેસર ખનનકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ સરકારી સંસાધનોની લૂંટ ચલાવતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વાગરા મામલતદાર અધિકારીની ટીમે 19જૂન, 2026ની મધરાતે વાગરા તાલુકાના સાયખા જીઆઇડીસી વિસ્તારમાં ઓચિંતી રેડ પાડી મોટા પાયે ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડ્યું હતું.
ભૂમાફિયાઓ કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વિના સરકારી જમીનમાંથી માટીનું ખનન કરી રાજ્ય સરકારને રોયલ્ટીનું નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચતા જ ભારે નાસભાગ મચી ગઈ હતી.તંત્ર દ્વારા સ્થળ પરથી માટીથી ભરેલી 3 ટ્રકો, તેમજ ગેરકાયદે ખોદકામ માટે ઉપયોગમાં લેવાતા બે હિટાચી મશીનો સહિત અંદાજે રૂ. 1.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હાલ ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી અને દંડ વસૂલાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રશાસનની આ કાર્યવાહીના પગલે સમગ્ર પંથકના ગેરકાયદેસર ખનનકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાતા વાહનો અને કિંમતી મશીનરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ત્રણ હાઈવા અને બે એક્સકેવેટર મશીનનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોમાં હાઈવા નંબર GJ 16 AW 9918, GJ 16 AW 9963 અને GJ 16 AW 9864 ,મશીનરી 2 હિટાચી મશીન ,કુલ 1.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ખાણ-ખનિજ વિભાગ ,પોલીસની ટીમ અને મામલતદાર કચેરી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અંદાજે રૂપિયા 1.2 કરોડની કિંમતનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તમામ વાહનો અને મશીનરી કાયદાકીય પ્રક્રિયા હેઠળ સીઝ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ખનન અને પરિવહન કરતા તત્વો સામે આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ