
જુનાગઢ, 20 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ ખેડૂતોના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભર કૃષિના સંકલ્પને વધુ મજબૂતી આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૩મા હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી વડાપ્રધાનએ વર્ચ્યુઅલ માધ્યમથી હપ્તો જાહેર કરતાં સમગ્ર દેશની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ “પીએમ કિસાન સમ્માન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે યોજાયો હતો. જિલ્લાના તમામ તાલુકા મથકો પર પણ એકસાથે કાર્યક્રમો યોજાતા ખેડૂતોએ આ યોજના સહિત કૃષિ ક્ષેત્રની યોજનાઓની માહિતી મેળવી હતી.
આ પ્રસંગે રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૨૫ કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે તેમના ખાતામાં જમા કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના અંદાજે ૧.૫૦ લાખ ખેડૂતોને રૂ. ૨,૦૦૦નો હપ્તો મળતાં ખરીફ સિઝનની શરૂઆત પૂર્વે ખેતી માટે જરૂરી સહાય મળી છે.
કાર્યક્રમ અંતર્ગત મિલેટ અને કૃષિ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગોના લોકઉપયોગી તથા કૃષિલક્ષી સ્ટોલોની જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણીએ મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
આ તકે કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને કૃષિ વિભાગના અધિકારીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તથા રાજ્યપાલશ્રીના આહ્વાનને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અને પોષણક્ષમ અનાજના ઉત્પાદન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
કેશોદ તાલુકામાં પેથલજી ચાવડા આહીર સમાજ સંકુલ ખાતે, ભેસાણ ખાતે શત્રભુજ ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં, માંગરોળ તાલુકામાં લોએજ ગામની એસ.ડી.બી. હાઈસ્કૂલ, માણાવદર ખાતે સોરઠીયા આહીર સમાજ, માળિયા હાટીના તાલુકામાં ખોરાસા (ગીર) મુકામે પટેલ સમાજ, મેંદરડા ખાતે એ.પી.એમ.સી., વંથલી તાલુકામાં ધંધુસર મહેર સમાજ તેમજ વિસાવદર તાલુકામાં મંડાવડ સ્થિત વિસાવદર તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિ. ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ લીના કાવાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.જે. ભટ્ટ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.જી. રાઠોડ, વિસ્તરણ શિક્ષણ અધિકારી જાદવ, સહાયક ખેતી નિયામક, નાયબ બાગાયત નિયામક, વિભાગીય અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં અન્નદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ