
જૂનાગઢ,20 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અંતર્ગત ઉર્જા રાજ્યમંત્રી તથા જિલ્લાના સહપ્રભારી મંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત આ સંમેલનમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, દેશ સહિત વિદેશમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની માંગ વધી રહી છે, તેનો સીધો ફાયદો પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને થવાનો છે. રાજ્ય સરકાર પણ ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને વેચાણ માટે વ્યવસ્થા અને પ્લેટફોર્મ પૂરું પાડવા કટિબદ્ધ છે.આ માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના વેચાણ માટે જુદા જુદા પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પૂરતા ભાવ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પ્રાકૃતિક કૃષિ સમયની માંગ છે, ખેડૂતોએ પણ પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું અનિવાર્ય થઈ જશે. એક તરફ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના અતિરેકભર્યા ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. આ સંદર્ભમાં તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે, તેમના નેતૃત્વમાં વિકાસના નવા અધ્યાય જોડાયા છે અને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થયું છે. સાથે જ વડાપ્રધાનએ દેશભરમાં જનહિતકારી પ્રાકૃતિક કૃષિ માટે મિશન શરૂ કર્યું છે. આ કડીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ગામડાઓનો પ્રવાસ કરીને અને ખેડૂતો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.
રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સંનિષ્ઠ પ્રયાસોથી જિલ્લામાં પણ 20 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈ ચૂક્યા છે અને પ્રાકૃતિક કૃષિની મુહિમને આગળ વધારી રહ્યા છે. આ માટે તેમણે જિલ્લા વહીવટી તંત્રને પણ વિશેષ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણા પૂર્વજો જે પરંપરાગત રીતે ગાય આધારિત કૃષિ કરી રહ્યા હતા, તે તરફ ફરીથી વળવું પડશે. રાસાયણિક ખાતર અને દવાના વધુ પડતા ઉપયોગથી ગંભીર બીમારીઓ થવા લાગી છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહ્વાન કર્યું છે. આ દિશામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજભવન છોડીને ગામડાઓમાં સ્કૂલના ઓરડામાં રાત્રિ રોકાણ કરીને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. ઉપરાંત દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ ઉજવતો હોય એટલે કે, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પ્રાકૃતિક કૃષિનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહેશે.
આ પ્રસંગે પ્રતીકાત્મક ટ્રેક્ટર ટ્રેલર સહાય યોજના ઉપરાંત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત શાકભાજી પ્રોત્સાહન યોજનાના ખેડૂત લાભાર્થીઓને સહાય મંજૂરીના હુકમપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ કાર્યક્રમના પ્રારંભે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ઉત્પાદનોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. ઉપરાંત રાજ્યમંત્રીએ પ્રદર્શનના સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોની જાણકારી મેળવી હતી, સાથે જ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શનમાં ખેડૂતલક્ષી યોજનાઓ સહિતની જાણકારી મળી રહે તે માટે આત્મા, ખેતીવાડી, બાગાયત વિભાગ અને કૃષિ યુનિવર્સિટીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માસ્ટર ટ્રેનર એચ. એન. લાખાણી, કૃષિ નિષ્ણાત ડો. એ. એમ. ભરાડીયા અને ડો. પી. જે. ગોહેલે પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો વિશે વિસ્તૃત માર્ગદર્શન કર્યું હતું. ઉપરાંત માણાવદરના મરમઠ ગામના પ્રગતિશીલ ખેડૂત અને પ્રાકૃતિક કૃષિ કરતા નારણ વાળાએ પોતાના પ્રાકૃતિક કૃષિના અનુભવોથી ખેડૂતોને અવગત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ