

કચ્છ, 20 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આગામી ૨૩થી ૨૫ જૂન દરમિયાન યોજાનારા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬’ને લઈને શિક્ષણ તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના પ્રતિબદ્ધ અભિગમને વધુ મજબૂત બનાવતા આ વર્ષના પ્રવેશોત્સવમાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શાળા છોડીને બહાર રહેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો છે. જિલ્લામાં મહત્તમ સંખ્યામાં આવા બાળકોને શોધી તેમને શાળામાં પુનઃપ્રવેશ અપાવવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રવેશોત્સવ માત્ર નવા વિદ્યાર્થીઓના સ્વાગત પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ શિક્ષણથી વંચિત રહેલા બાળકોના ભવિષ્યને નવી દિશા આપવાનો મહત્વપૂર્ણ ઉપક્રમ પણ બનશે.
રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીશ્રી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આપવામાં આવેલા માર્ગદર્શનને આધારે કચ્છ જિલ્લામાં વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, વિવિધ રાજ્ય કક્ષાના અધિકારીઓ, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સાંસદશ્રી, ધારાસભ્યો તથા જિલ્લા-તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ૧૧૦થી વધુ રૂટ પર વિવિધ શાળાઓની મુલાકાત લઈને બાળકોને બાલવાટિકા, ધોરણ-૧, ધોરણ-૬, ધોરણ-૯ અને ધોરણ-૧૧માં પ્રવેશ અપાવશે.
પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક, માધ્યમિક તેમજ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપતી સંસ્થાઓના નવા ભવનોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. સરકારી પ્રાથમિક શાળાઓ ઉપરાંત કે.જી.બી.વી., સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓ, જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ જેવા શિક્ષણ સંકુલો પણ આ મહોત્સવનો ભાગ બનશે.
આ વર્ષની વિશેષતા એ રહેશે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓના હાથમાં સોંપવામાં આવશે. એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની સંયુક્ત રીતે કાર્યક્રમનું સંચાલન કરશે, જેના કારણે બાળકોમાં નેતૃત્વ અને આત્મવિશ્વાસનો વિકાસ થશે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના વક્તવ્યો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે સંવાદ, વૃક્ષારોપણ અને મહાનુભાવોના પ્રેરણાદાયી સંબોધન જેવા વિવિધ આયામો ઉમેરવામાં આવ્યા છે.
‘પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬’ માત્ર એક શૈક્ષણિક કાર્યક્રમ નહીં, પરંતુ શિક્ષણ પ્રત્યે સમાજની સહભાગિતાને મજબૂત બનાવતો અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના સંકલ્પને સાકાર કરતો લોકભાગીદારીનો ઉત્સવ બની રહે તે માટે સમગ્ર તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લામાં શિક્ષણની નવી ઊંચાઈઓ સર કરવા માટે આ પ્રવેશોત્સવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar