યોગ બન્યો જીવનનો ટર્નિંગ પોઇન્ટ: માનસિક સંઘર્ષમાંથી બહાર આવી હજારોને સ્વસ્થ જીવનનો માર્ગ બતાવી રહ્યા છે દિલીપ ઠક્કર
કચ્છ, 20 જૂન (હિ.સ.) : ભુજના રહેવાસી દિલીપભાઈ ઠક્કરની જીવનયાત્રા એ સાબિત કરે છે કે યોગ માત્ર કસરત નથી, પરંતુ જીવનમાં નવી આશા અને ઊર્જાનો સંચાર કરતું એક શક્તિશાળી સાધન છે. આજે તેઓ હજારો લોકોને નિઃશુલ્ક યોગ શીખવી રહ્યા છે, પરંતુ તેમના જીવનમાં એક એવો
યોગ થી બીમારી માં ફાયદા મળ્યા


કચ્છ, 20 જૂન (હિ.સ.) : ભુજના રહેવાસી દિલીપભાઈ ઠક્કરની જીવનયાત્રા એ સાબિત કરે છે કે યોગ માત્ર કસરત નથી, પરંતુ જીવનમાં નવી આશા અને ઊર્જાનો સંચાર કરતું એક શક્તિશાળી સાધન છે. આજે તેઓ હજારો લોકોને નિઃશુલ્ક યોગ શીખવી રહ્યા છે, પરંતુ તેમના જીવનમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે તેઓ ગંભીર માનસિક તણાવ અને બીમારીના કારણે સતત દવાઓ પર નિર્ભર બની ગયા હતા.

લગભગ બે દાયકાં પહેલાં દિલીપભાઈનું માનસિક સ્વાસ્થ્ય બગડતાં તેમને નિયમિત મનોચિકિત્સકની સારવાર લેવાની ફરજ પડી હતી. સ્થિતિ એવી બની હતી કે ભારે માત્રામાં દવાઓ લેવી તેમની દૈનિક જીવનશૈલીનો ભાગ બની ગઈ હતી. સતત સારવાર છતાં તેઓ પોતાના જીવનમાં ફરીથી સામાન્યપણું અનુભવવા આતુર હતા. અનેક પ્રયાસો વચ્ચે તેમણે યોગ તરફ વળવાનો નિર્ણય લીધો અને આ નિર્ણય તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો.

યોગને માત્ર વ્યાયામ નહીં પરંતુ જીવનશૈલી તરીકે અપનાવતાં તેમણે નિયમિત અભ્યાસ શરૂ કર્યો. વર્ષો સુધી સતત યોગસાધના અને આત્મવિશ્વાસના બળે તેઓ ધીમે ધીમે દવાઓથી મુક્ત થયા અને માનસિક સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો અનુભવ્યો. દિલીપભાઈ જણાવે છે કે જેમ દવાઓનો ડોઝ નિયમિત લેવો પડતો હતો, તેમ તેમણે યોગને પોતાના જીવનનો દૈનિક ડોઝ બનાવી દીધો. આ જ નિયમિતતા અને સંકલ્પશક્તિએ તેમને માનસિક બીમારીના અંધકારમાંથી બહાર લાવી સ્વસ્થ અને સકારાત્મક જીવન તરફ દોરી ગયા.

પોતાના અનુભવોને માત્ર વ્યક્તિગત સફળતા સુધી મર્યાદિત ન રાખતાં દિલીપભાઈએ સમાજને પણ તેનો લાભ મળે તે માટે સેવા કાર્યનો માર્ગ પસંદ કર્યો. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ નિઃશુલ્ક યોગ વર્ગો ચલાવી રહ્યા છે અને શાળાઓ, કોલેજો, સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ જાહેર કાર્યક્રમોમાં યોગ અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક લોકોએ યોગ દ્વારા શારીરિક તેમજ માનસિક સમસ્યાઓમાં રાહત મેળવી છે.

દિલીપભાઈના મતે યોગ આપણા પ્રાચીન ઋષિમુનિઓની અમૂલ્ય ભેટ છે. આધુનિક જીવનની ભાગદોડ, તણાવ અને અસ્વસ્થ જીવનશૈલી વચ્ચે યોગ વ્યક્તિને શરીર અને મન બંને સ્તરે સંતુલિત રાખવામાં મદદ કરે છે. તેઓ માને છે કે જો યોગને ગંભીરતાથી જીવનનો હિસ્સો બનાવવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓ સામે અસરકારક રીતે લડી શકાય છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે દિલીપભાઈએ કચ્છ સહિત સમગ્ર સમાજને સંદેશ આપ્યો છે કે યોગને માત્ર એક દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખવો જોઈએ. નિયમિત યોગાભ્યાસ દ્વારા દરેક વ્યક્તિ વધુ સ્વસ્થ, સંતુલિત અને આનંદમય જીવન તરફ આગળ વધી શકે છે. તેમની પોતાની જીવનકથા એ વાતનો જીવંત પુરાવો છે કે યોગમાં જીવન બદલવાની અસાધારણ શક્તિ રહેલી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande