દુધઈ પોલીસે કરી કાર્યવાહી : બસ સ્ટોપ પરથી શંકાસ્પદ કોપર વાયર સાથે યુવક ઝડપાયો
કચ્છ, 20 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે દુધઈ પોલીસે એક યુવકને શંકાસ્પદ સંજોગોમાં કોપર વાયર સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હ
કોપર વાયર સાથે પકડાયેલ આરોપી


કચ્છ, 20 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે દુધઈ પોલીસે એક યુવકને શંકાસ્પદ સંજોગોમાં કોપર વાયર સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરી, મોટર ચોરી તેમજ વાડી વિસ્તારોમાં થતા મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડોડિયાની ટીમ સક્રિયપણે કામગીરી કરી રહી હતી. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ટપ્પર બસ સ્ટોપ પાસે એક વ્યક્તિ કાપડની થેલી સાથે શંકાસ્પદ હાલતમાં બેઠેલો છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિની થેલીમાંથી અંદાજે પાંચ કિલોગ્રામ જેટલા કોપર વાયરના ગુચ્છા મળી આવ્યા હતા.

પોલીસે વાયર અંગે માલિકી અને ખરીદી સંબંધિત સંતોષકારક પુરાવા માંગતા આરોપી કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યો ન હતો. પ્રાથમિક તપાસમાં વાયર ચોરી અથવા છળકપટથી મેળવાયેલ હોવાની શંકા ઉભી થતાં પોલીસે અંદાજિત રૂ. 3,000ની કિંમતનો કોપર વાયર કબજે કર્યો હતો.

આ મામલે પોલીસે ભીમાસર (ચકાસર) ગામના 24 વર્ષીય ગોવિંદ મનજી કોલીની અટકાયત કરી છે. દુધઈ પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરી નંબર 08/2026 હેઠળ નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે કોપર વાયર ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ ચોરીની ઘટના સંકળાયેલી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

મિલકત સંબંધિત ગુનાઓ સામે પોલીસની સતત સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક સંદેશો ગયો હોવાનું માનવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande