
કચ્છ, 20 જૂન (હિ.સ.) પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં વન્યજીવોના ગેરકાયદે શિકાર સામે પોલીસને મહત્વની સફળતા મળી છે. જખૌ પોલીસ દ્વારા ગત રાત્રે ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ત્રણ વ્યક્તિઓને સસલાના શિકાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ મૃત સસલાં, એક મોટરસાયકલ અને શિકાર માટે ઉપયોગમાં લેવાતી લાકડી કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વન્યજીવ પ્રાણીઓના શિકાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને જખૌ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગત રાત્રે ખાનગી બાતમી મળી હતી કે વાડાપધ્ધર ગામમાં હનુમાનજી મંદિર પાછળ આવેલા બાવળના ઝુંડ વિસ્તારમાં કેટલાક લોકો સસલાનો ગેરકાયદે શિકાર કરી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરે તે પહેલાં જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી ત્રણ સસલાના મૃતદેહ મળી આવ્યા હતા. ઉપરાંત એક એચએફ ડિલક્સ મોટરસાયકલ અને શિકાર માટે વપરાતી સાદી લાકડી પણ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસે ઝડપાયેલા આરોપીઓની ઓળખ અંજાર અને વાડાપધ્ધર વિસ્તારના રહેવાસીઓ તરીકે કરી છે. પ્રાથમિક પૂછપરછ બાદ સમગ્ર મામલો વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આવતો હોવાથી કબજે કરાયેલા સસલાં અને સંબંધિત મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે નલિયા દક્ષિણ રેન્જના વન વિભાગને સોંપવામાં આવ્યો છે.
વન્યજીવોના સંરક્ષણ માટે પોલીસ અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતી કાર્યવાહીનો આ કેસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક વિસ્તારમાં લાંબા સમયથી વન્ય પ્રાણીઓના શિકાર અંગે મળતી ફરિયાદોને પગલે કરવામાં આવેલી આ કામગીરીથી ગેરકાયદે શિકાર કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું માનવામાં આવે છે.
આ સમગ્ર ઓપરેશનમાં જખૌ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત એસ.આર.ડી.ના જવાનો પણ જોડાયા હતા અને તેમની સતર્કતાના કારણે વન્યજીવ શિકારની આ ગેરકાયદે પ્રવૃત્તિનો સમયસર પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar