




કચ્છ, 20 જૂન (હિ.સ.) : ભુજ ખાતે આજે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી બહાર આવી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અધ્યક્ષસ્થાનેથી ખેડૂતોને સંબોધન કર્યું હતું.
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થાના મજબૂત પાયા ખેડૂત છે અને ખેતીમાં આવનારી નવીનતા દેશના વિકાસને નવી દિશા આપી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે તેમજ માનવ આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી માત્ર વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા બની ગઈ છે. તેમણે કચ્છના ખેડૂતોને આ પરિવર્તનના ભાગીદાર બનવા અને ખેતી સાથે પ્રકૃતિનું સંતુલન જાળવવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત છે. તેમના પ્રયાસોથી કચ્છ જિલ્લામાં હજારો ખેડૂતો આ અભિયાન સાથે જોડાયા છે. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર જમીનની ગુણવત્તા જ સુધારે છે નહીં, પરંતુ પરિવારના આરોગ્ય અને પર્યાવરણના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે કચ્છના ખેડૂતોને વધુ સંખ્યામાં આ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં સ્વસ્થ જીવનશૈલી જાળવવા માટે પ્રાકૃતિક ખેતી એક અસરકારક ઉપાય બની શકે છે. તેમણે ખેડૂતોને ભૂગર્ભ જળના સંવર્ધન, જળસંચય અને પરંપરાગત જળ સ્ત્રોતોના પુનર્જીવન માટે પણ જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ખેતી અને પાણીનું સંરક્ષણ એકબીજા સાથે સીધા જોડાયેલા છે અને બંને ક્ષેત્રોમાં જાગૃતિ લાવવી સમયની માંગ છે.
જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર પી.કે. તલાટીએ કાર્યશાળાના પ્રારંભે ખેડૂતોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને ખેતી વધુ ટકાઉ બની શકે છે. તેમણે ખેડૂતોને નવી પદ્ધતિઓ અપનાવી કૃષિ ક્ષેત્રમાં ગુણાત્મક પરિવર્તન લાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ પેદાશોના સ્ટોલ તેમજ વિવિધ સરકારી વિભાગોની યોજનાઓને દર્શાવતા માહિતી સ્ટોલનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો અને પ્રદર્શકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
આ અવસરે કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર કચ્છ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેડૂતોના સન્માનથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવાના આ પ્રયાસને ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને કચ્છમાં ખેતીના નવા અધ્યાયની શરૂઆત તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar