



-ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે બોડેલી ખસેડાઈ
છોટાઉદેપુર , 20 જૂન (હિ.સ.) પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામની સીમમાં શુક્રવારે મોડી સાંજે દીપડાએ ૧૧ વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. હુમલામાં બાળકીના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ભેંસાવાહી ગામના રહેવાસી રાયસીંગભાઈ રાઠવા પરિવાર સાથે રતનપુર ખાતે ખેતીકામ માટે રહે છે. શુક્રવારે મોડી સાંજે તેમની પૌત્રી કૃપાલીબેન શૈલેષભાઈ રાઠવા (ઉંમર ૧૧ વર્ષ) ખેતરમાં ખાટલા પર બેઠી હતી ત્યારે અચાનક એક દીપડો ત્યાં ધસી આવ્યો હતો. દીપડાએ બાળકીના ગળાના ભાગે પકડી લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીની બૂમાબૂમ સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોના હોબાળા બાદ દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘાયલ બનેલી કૃપાલીબેનને તાત્કાલિક પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે બોડેલી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી.
બાળકીના દાદા રાયસીંગભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે દીપડાના હુમલાના કારણે કૃપાલીબેનના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલમાં તેને બોલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે આ જ ખેતર વિસ્તારમાં અગાઉ પણ દીપડાએ હુમલો કરીને નવ માસના બાળક તથા તેની માતાને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. વારંવાર બનતી દીપડાના હુમલાની ઘટનાઓને પગલે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક અસરથી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી કરવા તેમજ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે.
દીપડાના સતત હુમલાઓને કારણે રતનપુર અને આસપાસના ગામોના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને બાળકો તથા મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ