
મહેસાણા, 20 જૂન (હિ.સ.) : રાજ્યવ્યાપી ઓપરેશન કારાવાસ-2 ડ્રાઇવ અંતર્ગત મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે છેલ્લા 6 વર્ષથી વચગાળાના જામીન પર ફરાર રહેલા એક પાકા કેદીને ઝડપી પાડી અમદાવાદ સાબરમતી જેલ હવાલે કર્યો છે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ 8 જૂનથી 21 જૂન 2026 દરમિયાન રાજ્યની વિવિધ જેલોમાંથી ફરાર થયેલા કેદીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પેરોલ/ફર્લો સ્કોડને ટેક્નિકલ અને હ્યુમન સોર્સ મારફતે માહિતી મળી હતી કે શાહીબાગ પોલીસ સ્ટેશનના ગંભીર ગુનામાં સજા પામેલો કેદી રાજેશકુમાર ઉર્ફે પ્રેમ હવલદાર સરજુ શર્મા અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહે છે. મળેલી માહિતીના આધારે સ્કોડે વોચ ગોઠવી તેને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો હતો.
આરોપી 14 જુલાઈ 2020ના રોજ વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને પોતાની ઓળખ છુપાવી અલગ-અલગ સ્થળોએ રહેતો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને બાકી સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ, સાબરમતી ખાતે સુપ્રત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR