
મહેસાણા, 20 જૂન (હિ.સ.) : જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા ખેડૂતોને ખરીફ સીઝનમાં કઠોળ પાકોની વૈજ્ઞાનિક ખેતી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારની ‘આત્મનિર્ભર ઇન પલ્સ’ યોજના હેઠળ કઠોળ પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય તે માટે ખેડૂતોને રોગ-જીવાત નિયંત્રણ અંગે જાગૃત કરવામાં આવ્યા છે.
ખેતીવાડી વિભાગે મગ, મઠ, અડદ અને ચોળા જેવા કઠોળ પાકોમાં રોગ-જીવાતથી બચાવ માટે વાવણી પહેલાં બીજ માવજત કરવાની ખાસ અપીલ કરી છે. વિભાગના જણાવ્યા મુજબ ખેડૂતો રોગપ્રતિકારક જાતોના બિયારણનો ઉપયોગ કરે તેમજ રોગમુક્ત છોડમાંથી મેળવેલા બીજની પસંદગી કરે. પાનની કરચલી જેવા વિષાણુજન્ય રોગના નિયંત્રણ માટે બીજને 55 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણીમાં 30 મિનિટ સુધી રાખવાની સલાહ આપવામાં આવી છે.
બીજજન્ય રોગોના નિયંત્રણ માટે થાયરમ, કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ જેવા ફૂગનાશકો વડે બીજ માવજત કરવાની ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત સફેદમાખી, મોલો, થ્રિપ્સ અને તડતડીયા જેવી જીવાતોના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ અથવા થાયામેથોક્ઝામ આધારિત જંતુનાશકોનો ઉપયોગ કરવો જરૂરી હોવાનું જણાવાયું છે.
ખેડૂતોને દવાઓનો ઉપયોગ લેબલ પર દર્શાવેલી ભલામણ મુજબ જ કરવા તેમજ વધુ માહિતી માટે નજીકની ખેતીવાડી કચેરી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા કિસાન કોલ સેન્ટર 1800 180 1551 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR