
મહેસાણા, 20 જૂન (હિ.સ.)મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રાણી ક્રૂરતાના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડી કડી પોલીસને સોંપ્યો છે.
રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ માટે સી.આઈ.ડી. ક્રાઇમ અને રેલ્વે વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ પેરોલ/ફર્લો સ્કોડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સ્કોડને ટેક્નિકલ સોર્સ મારફતે માહિતી મળી હતી કે કડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત રાજ્ય પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવા માટેના કાયદા હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી મોહમ્મદ ઇમરાન હુસેનમિયા પાશા રંગરેજ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહે છે.
માહિતીના આધારે સ્કોડની ટીમ અમદાવાદ પહોંચી હતી અને હ્યુમન સોર્સની મદદથી આરોપીના નિવાસસ્થાને વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન આરોપી તેના ઘરે હાજર હોવાનું જાણવા મળતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
ધરપકડ બાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને 20 જૂન 2026ના રોજ કડી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી PSI કે.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ HC પ્રકાશકુમાર, PC સંજયભાઈ અને PC રવિકુમાર સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR