
મહેસાણા, 20 જૂન (હિ.સ.)મહિલા અને બાળ વિકાસ વિભાગની પૂર્ણા યોજના અંતર્ગત મહેસાણા ઘટક-2 અને 3ની આશરે 50 કિશોરીઓ માટે ITI મહેસાણા ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો અંગે માહિતગાર કરવાનો હતો.
સમર કેમ્પ દરમિયાન કિશોરીઓને ITIમાં ઉપલબ્ધ વિવિધ ટ્રેડ, પ્રવેશ પ્રક્રિયા, તાલીમની વિશેષતાઓ તેમજ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળતી રોજગાર અને જોબ પ્લેસમેન્ટની તકો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા કિશોરીઓને પોતાની રસ અને ક્ષમતાને અનુરૂપ કારકિર્દી પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત કિશોરીઓને ITIના વિવિધ વિભાગોની મુલાકાત કરાવવામાં આવી હતી, જેથી તેઓ ટેકનિકલ શિક્ષણ અને તાલીમ અંગે પ્રાયોગિક સમજ મેળવી શકે. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને જરૂરી શૈક્ષણિક અને ઉપયોગી સામગ્રી ધરાવતી કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમર કેમ્પ દ્વારા કિશોરીઓમાં આત્મવિશ્વાસ વધે, તેઓ ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય આધારિત તાલીમ તરફ આગળ વધે તેમજ ભવિષ્યમાં સ્વાવલંબી બની શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અધિકારીઓ, તાલીમકારો અને કિશોરીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR