
મહેસાણા, 20 જૂન (હિ.સ.) : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચરાડુ ગામમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ, દેશી દારૂ બનાવવાના વોશ અને એક્ટિવા સહિત કુલ રૂ. 9.44 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત પ્રવૃત્તિઓ સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તે અંતર્ગત એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચરાડુ ગામની સીમમાં આવેલા એક મકાનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે PSI એ.ડી. કાકરેચા અને ટીમે પંચોની હાજરીમાં દરોડો પાડતા 80 પેટીમાંથી કુલ 2,731 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, 1,800 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ તથા એક એક્ટિવા મળી કુલ રૂ. 9,44,952નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ગોજારીયાના રહેવાસી રાઠોડ અનિલસિંહ રાજુસિંહની ધરપકડ કરી છે. જ્યારે ચરાડુના ઠાકોર પ્રકાશજી ઉર્ફે પકો રણજીતજીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR