
મહેસાણા, 20 જૂન (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિયાન હેઠળ મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે મહેસાણા તાલુકાના પાંચોટ ગામ અને કડી તાલુકાના થોળ ગામ ખાતે જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે, ગ્રામજનોને વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ યોજનાઓ માટે પાત્ર લાભાર્થીઓની અરજીઓ સ્થળ પર જ સ્વીકારવામાં આવી હતી તથા જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેના કારણે નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂરિયાત ઘટી હતી અને વહીવટી પ્રક્રિયા વધુ સરળ બની હતી.
કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનોને યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જનકલ્યાણ શિબિરના માધ્યમથી અનેક પાત્ર પરિવારોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળ્યો હતો. ગ્રામજનો દ્વારા પણ આ પહેલને આવકાર આપવામાં આવ્યો હતો અને શિબિરને લોકહિતકારી ગણાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR