
ઇમ્ફાલ, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.). મણિપુરમાં સુરક્ષા દળો અને પોલીસે, ઉગ્રવાદી સંગઠનો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન હેઠળ અનેક સક્રિય કેડરોની ધરપકડ કરી છે. આ સાથે જ, ઉગ્રવાદી સંગઠનમાં ભરતી કરવામાં આવી રહેલા એક કિશોરને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાયો છે.
રાજ્યમાં આ કાર્યવાહી ઉખરુલ પીએનબી બેંક લૂંટ કેસ, 5મી આઈઆરબી હથિયાર લૂંટ કેસ, જિરીબામમાં હમાર મહિલાની હત્યા, ચાર કુકી લોકોનું અપહરણ અને હત્યા, નારાયણસેનામાં સીઆરપીએફ પર હુમલો તેમજ મુખ્યમંત્રીના કાફલા પર થયેલા ઓચિંતા હુમલા જેવા કેસોની તપાસ વચ્ચે કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 19 જૂને સુરક્ષા દળોએ ચુરાચંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સોંગપી ગામમાંથી યુકેએનએના એક સક્રિય કિશોર કેડરની ધરપકડ કરી હતી.
આ જ દિવસે મણિપુર પોલીસે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સિંગજામેઇ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મૈબામ લૈકાઈથી કેસીપી (પીડબ્લ્યુજી) ના સક્રિય કેડર સુરેનસાંગબામ બુંગચા ઉર્ફે વિનર (46) ની ધરપકડ કરી હતી.
18 જૂને સુરક્ષા દળોએ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લુકર માયાઈ લૈકાઈ સ્થિત તેના નિવાસસ્થાનેથી કેસીપી (પીડબ્લ્યુજી) ના સ્વયંભૂ કેપ્ટન અને સક્રિય ખંડણીખોર વાંગખેમ પ્રેમજીત સિંહ ઉર્ફે કમચા ઉર્ફે ઇબોમચા (46) ની ધરપકડ કરી હતી.
અન્ય એક ઓપરેશનમાં, આઈએસબીટી કોમ્પ્લેક્સ વિસ્તારમાંથી આરપીએફ/પીએલએ ના સક્રિય કેડર આરકે સોલોમન સિંહ ઉર્ફે આમોન (51) અને તેના સહયોગી થાંગમેઈશાંગ કાસાર (32) ની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન, બંને દ્વારા સંગઠનમાં ભરતી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહેલા એક કિશોરને પણ બચાવી લેવાયો હતો.
આ ઉપરાંત, સુરક્ષા દળોએ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કોંગબા બજાર વિસ્તારમાંથી આરપીએફ/પીએલએ ના સ્વયંભૂ લેફ્ટનન્ટ કર્નલ અને ઇન્ટેલિજન્સ ઇન-ચાર્જ સારંગથેમ જયેન્તા મીતેઈ ઉર્ફે બિકી ઉર્ફે વાંગલેન (48) ની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓ પાસેથી વાંધાજનક સામગ્રી ઉપરાંત 2,000 રૂપિયા અને એક બોલેરો કેમ્પર વાહન જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ