
ભાવનગર,20 જૂન (હિ.સ.) ભાવનગર શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા રાજ્યના કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના અંદાજે રૂ. 1,850 કરોડના વિવિધ વિકાસકાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા પાણી પુરવઠા, ડ્રેનેજ, બિલ્ડિંગ, યોજના વિભાગ તેમજ ગંગાજળિયા વેજીટેબલ માર્કેટ રિ-ડેવલપમેન્ટ સહિતના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકાસકાર્યોમાં ગુણવત્તા અને સમયમર્યાદાનું ખાસ ધ્યાન રાખી નાગરિકોને આધુનિક અને સુવિધાસભર શહેર ઉપલબ્ધ કરાવવાનું મુખ્ય લક્ષ્ય છે.
સમીક્ષા બેઠકમાં વોટર વર્ક્સ વિભાગના રૂ. 534 કરોડ, ડ્રેનેજ વિભાગના રૂ. 454 કરોડ, બિલ્ડિંગ વિભાગના રૂ. 440 કરોડ, યોજના વિભાગના રૂ. 272 કરોડ તથા ગંગાજળિયા વેજીટેબલ માર્કેટના રૂ. 150 કરોડના વિકાસકાર્યો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
શહેરમાં શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે નવી પાણીની ટાંકીઓ, આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને નવી ડી.આઈ. રાઇઝિંગ લાઇન જેવી યોજનાઓને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનના પ્રોજેક્ટ્સને પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી.
આ ઉપરાંત નવા ફાયર સ્ટેશનો, કોમ્યુનિટી હોલ, સ્માર્ટ આંગણવાડીઓ, સ્માર્ટ લાયબ્રેરી, હેલ્થ સેન્ટરો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શહેરના વિવિધ સર્કલોના વિકાસકાર્યોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ગંગાજળિયા વેજીટેબલ માર્કેટના રૂ. 150 કરોડના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટથી વેપારીઓ અને ગ્રાહકોને આધુનિક સુવિધાઓ મળશે.
મંત્રી જીતુ વાઘાણીએ તમામ વિભાગોને વિકાસકાર્યો સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી અને ભાવનગરને આધુનિક તથા સુવિધાસભર શહેર બનાવવા માટે સંકલિત પ્રયાસો કરવાની અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA