
ભાવનગર, 20 જૂન (હિ.સ.) ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાજેતરમાં બનેલી બે કરૂણ માર્ગ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર પરિવારો પ્રત્યે પ્રસિદ્ધ કથાકાર મોરારિ બાપુ દ્વારા શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ પીડિત પરિવારોને આર્થિક સંવેદના સહાયરૂપે કુલ રૂપિયા 3,15,000ની રકમ અર્પણ કરવામાં આવી છે.
મોરારિબાપુ દ્વારા સંચાલિત શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા અંતર્ગત રાજ્ય તેમજ દેશના વિવિધ વિસ્તારોમાં બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં માનવતાના ધોરણે સહાયતા પહોંચાડવાની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. આ જ અનુસંધાને તાજેતરમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનેલી દુઃખદ અકસ્માત ઘટનાઓના ભોગ બનેલા પરિવારોને સંવેદના સહાય અર્પણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં વડોદરા નજીક રાજસ્થાનના બાંસવાડાથી સુરત તરફ જઈ રહેલા પ્રવાસીઓના વાહનને અકસ્માત નડતાં સાત વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં પંઢરપુર માર્ગ પર તાંદુળપુર નજીક એક ખટારો કૂવામાં ખાબકતાં તેમાં સવાર રાંજણી ગામના 14 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. બંને અકસ્માતોમાં કુલ 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને મોરારિબાપુ દ્વારા મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. સાથે જ દરેક મૃતકના પરિવારને રૂપિયા 15,000 લેખે કુલ રૂપિયા 3,15,000ની સંવેદના સહાય મોકલવામાં આવી છે. આ સહાય રકમ મુખ્યમંત્રી રાહત ભંડોળ અંતર્ગત રામકથાના શ્રોતા ભાવિકોના સહયોગ અને સૌજન્યથી પહોંચાડવામાં આવી હોવાનું જણાવાયું છે.
મોરારિબાપુ દ્વારા કરવામાં આવતી આવી માનવતાવાદી પહેલ દુઃખની ઘડીએ પીડિત પરિવારોને માત્ર આર્થિક જ નહીં પરંતુ માનસિક સાંત્વના પણ પૂરી પાડે છે. સમાજમાં સહાનુભૂતિ અને પરોપકારના મૂલ્યોને પ્રોત્સાહિત કરતી આ કામગીરી અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA