
રાજકોટ,20 જૂન (હિ.સ.) દેશભરમાં આવતીકાલે નીટની રી-એકઝામ,ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થી રી-એક્ઝામ આપશે.3મેના રોજ NEET-UGની લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયા બાદ નીટની રી-એકઝામ લેવાઈ રહી છે.
21 જૂન રવિવારના રોજ યોજાનારી NEET-UG રી-એકઝામ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર કે અન્ય ધાર્મિક પ્રતિકો સાથે જોડાયેલી વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નથી. જો કે, આવા ઉમેદવારોને વધારાની સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
રાજકોટમાં 12 પરીક્ષા કેન્દ્રો પરથી 5330 વિદ્યાર્થીઓ NEET-UG રી-એકઝામ આપવાના છે. 3 મે ના લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થતા હવે ફરી વખત આ પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડિજિટલ લોકમાં એરફોર્સના જવાનો મારફત હવાઈ માર્ગે પેપર લાવવામાં આવશે. આ સાથે જ સીઆઈએસએફના જવાનો અને સ્થાનિક પોલીસની મદદથી પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્રો મોકલવામાં આવનાર છે. આ સાથે જ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ડીપી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજલન્સ ટીમ તૈનાત રહેશે.
રાજકોટમાં NEETની પરીક્ષાને લઈને બે દિવસ પહેલા કલેકટર ડૉ.ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં દરેક વિભાગો સાથે બેઠક થઈ હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં 12 કેન્દ્રો પરથી ધોરણ 12 સાયન્સના 5330 વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ માટેની NEET-UG રી-એકઝામ આપવાના છે. જેમાં પેપરોના પરિવહનની જવાબદારી પ્રથમ વખત સીઆઈએસએફના જવાનોને સોંપવામાં આવી છે. તેમની સાથે સ્થાનિક પોલીસ પણ રહેશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને વિજિલન્સ ટીમ તરીકે મૂકવામાં આવશે.
આ સાથે જ એસટી વિભાગને પણ સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓની અવરજવર મુજબના રૂટની ગોઠવણી કરે. આ ઉપરાંત પીજીવીસીએલ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે જેથી પરીક્ષા દરમિયાન વીજ કાપ ન મૂકાય. આ સાથે જ વિદ્યાર્થીઓ માટે આજે 20 જૂને ઓખાથી ગાંધીનગર અને 21 જૂને ગાંધીનગરથી ઓખા સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. બપોરે 2 થી 5.15 વાગ્યા દરમિયાનની પરીક્ષા માટે બપોરે 11 થી 1.30 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે. મેટલ ડિટેક્ટરથી કડક ચેકિંગની સાથે બાયોમેટ્રિક બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ