
વડોદરા,20 જૂન (હિ.સ.) દેશભરમાં આવતીકાલે નીટની રી-એકઝામ,ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થી રી-એક્ઝામ આપશે.3મેના રોજ NEET-UGની લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયા બાદ નીટની રી-એકઝામ લેવાઈ રહી છે.
21 જૂન રવિવારના રોજ યોજાનારી NEET-UG રી-એકઝામ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર કે અન્ય ધાર્મિક પ્રતિકો સાથે જોડાયેલી વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નથી. જો કે, આવા ઉમેદવારોને વધારાની સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
દેશભરમાં મેડિકલ પ્રવેશ માટેની વિવાદોમાં રહેલી NEET-UGની પુનઃ પરીક્ષા 21 જૂન, 2026ને રવિવારના રોજ યોજાનાર છે. વડોદરાના 17 પરીક્ષા કેન્દ્રો પર 6048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોવાથી, તમામ કેન્દ્રોને 24 કલાક પહેલાંથી જ 'હાઈ સિક્યુરીટી ઝોન'માં ફેરવી દઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. NTAએ આ વખતે વિદ્યાર્થીઓની સુવિધા માટે પરીક્ષાના નિયમોમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. પરીક્ષાનો સમય 180 મિનિટથી વધારીને 195 મિનિટ (3 કલાક 15 મિનિટ) કરવામાં આવ્યો છે. આ વધારાની 15 મિનિટનો ઉપયોગ વિદ્યાર્થીઓના બાયોમેટ્રિક વેરિફિકેશન અને અટેન્ડન્સની પ્રક્રિયા માટે કરાશે, જેથી તેમનો મુખ્ય સમય ન બગડે. આ ઉપરાંત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના દાખલા ગણવા માટે રફ વર્કના પેજ 2થી વધારીને 4 કરવામાં આવ્યા છે, જેમાંથી 2 પેજ પ્રશ્નપત્રની શરૂઆતમાં અને 2 પેજ અંતમાં રહેશે.
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે 21 જૂન, 2026ના રોજ રવિવારના રોજ યોજાનારી NEET પરીક્ષામાં બેસતા ઉમેદવારો અને તેમના માતા-પિતાને સુવિધા આપવા અને સલામત અને સુગમ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વિભાગના અધિકારક્ષેત્ર હેઠળના મુખ્ય સ્ટેશનો પર વ્યાપક વ્યવસ્થા કરી છે.રેલવે સ્ટેશનો પર વધારાના UTS કાઉન્ટર ખૂલ્યા, હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયા.
પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ દ્વારા ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા માટે વડોદરા, આણંદ અને ભરૂચ સ્ટેશનો પર ખાસ હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી રહી છે. આ હેલ્પ ડેસ્ક પર તૈનાત રેલવે કર્મચારીઓ ટ્રેન કનેક્ટિવિટી, ખાસ ટ્રેનો અને અન્ય જરૂરી માહિતી અંગે માહિતી અને સહાય પૂરી પાડશે. સ્ટેશનો પર વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, ઉમેદવારોની સુવિધા માટે વડોદરામાં ત્રણ વધારાના UTS કાઉન્ટર અને આણંદ, ગોધરા, ભરૂચ અને ખેડા-નડિયાદમાં એક-એક UTS કાઉન્ટર ખોલવામાં આવી રહ્યા છે.
વધુમાં, વાણિજ્યિક અને કર્મચારી વિભાગના કર્મચારીઓ અને આરપીએફના કર્મચારીઓની ખાસ તૈનાતી સ્ટેશનો પર કરવામાં આવી રહી છે. તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓ મુસાફરોને માર્ગદર્શન આપશે. તેમજ અસરકારક ભીડ વ્યવસ્થાપન, સુરક્ષા વ્યવસ્થા, માહિતી પ્રસાર અને મુસાફરોની સહાય સુનિશ્ચિત કરશે. મુસાફરોની સુવિધા માટે, ઉમેદવારો અને તેમના માતા-પિતા માટે સલામત, વ્યવસ્થિત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સ્ટેશનો પર સમયાંતરે જાહેર જાહેરાતો અને મુસાફરોની માહિતી પ્રસારિત કરવામાં આવશે.
પરીક્ષા સમયગાળા દરમિયાન, ઉમેદવારો અને તેમના માતા-પિતાની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા અને કોઈપણ અસુવિધાને ઓછી કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓ સતત આનું નિરીક્ષણ કરશે અને સ્ટેશન મેનેજમેન્ટ અને સંબંધિત વિભાગો સાથે સંકલનમાં જરૂરી સહાય પૂરી પાડશે. વડોદરા વિભાગ એ પણ સુનિશ્ચિત કરશે કે ટ્રેનો શક્ય તેટલી સમયસર ચાલે, જેથી ઉમેદવારો સમયસર તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચે.
વિદ્યાર્થીઓ માટે રેલવેની આ 2 સ્પેશિયલ ટ્રેનો દોડશે
ટ્રેન નં. 09471 (બાંદ્રા ટર્મિનસ-મણિનગર સ્પે.): આ ટ્રેનને વડોદરા ડિવિઝનના સુરત, ભરૂચ, વિશ્વામિત્રી અને આણંદ સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
ટ્રેન નં. 09351 (બાંદ્રા ટર્મિનસ-ડૉ. આંબેડકર નગર સ્પે.): મધ્યપ્રદેશ અને પશ્ચિમ રેલવેના રૂટના વિદ્યાર્થીઓ માટે આ ટ્રેન વિશેષ સહાયરૂપ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ