આવતીકાલે દેશભરમાં નીટની રી-એકઝામ, ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થી રી-એક્ઝામ આપશે
- પશ્ચિમ રેલવે દ્વારા વિદ્યાર્થીઓ-વાલીઓની ભીડને ધ્યાને રાખી વધારીની ટ્રેનો દોડાવાશે અમદાવાદ,20 જૂન (હિ.સ.) દેશભરમાં આવતીકાલે નીટની રી-એકઝામ,ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થી રી-એક્ઝામ આપશે.3મેના રોજ NEET-UGની લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયા બાદ
file photo  NEET re-exam across the country tomorrow


- પશ્ચિમ રેલવે દ્વારા વિદ્યાર્થીઓ-વાલીઓની ભીડને ધ્યાને રાખી વધારીની ટ્રેનો દોડાવાશે

અમદાવાદ,20 જૂન (હિ.સ.) દેશભરમાં આવતીકાલે નીટની રી-એકઝામ,ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થી રી-એક્ઝામ આપશે.3મેના રોજ NEET-UGની લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયા બાદ નીટની રી-એકઝામ લેવાઈ રહી છે.

ગુજરાતના 79 હજાર વિદ્યાર્થીઓ સહિત દેશબરમાં 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ફરીવાર પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર પહેલા જ સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં અગવડ ન પડે તે માટે રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા એસટી વિભાગના પણ જરુર મુજબ બસની વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે.

રવિવારના રોજ દેશભરમાં NEET-UG રી-એકઝામ યોજાવાની છે. એક વખત NEET પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરી બીજી વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના 23 જેટલા સેન્ટર પર 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે

NEET-UG રી-એકઝામને લઈ અમદાવાદ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. અમદાવાદના 23 કેન્દ્રો પર 10445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 23 સેન્ટર આસપાસ વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે. પેપરને સેન્ટર પર પહોંચાડવા એસ્કોર્ટ અને પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. NTAની ગાઈડલાઈન મુજબનો બંદોબસ્ત આપવામાં આવશે. 8 ડ્રોન દ્વારા કેન્દ્રો બહાર બાજ નજર પણ રાખવામાં આવશે. 6 ડીસીપી, 15 પીઆઇ સહિતના સ્ટાફ ખડેપગે રહેશે. અમદાવાદના 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત રાખવામાં આવશે.

કંટ્રોલ રૂમના ડીસીપી રીમા મુન્સીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં અગવડતા ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે. અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ ડ્રોન દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ દેખરેખ રાખવામાં આવશે. તેમજ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરવામાં આવશે. કોઈ અફવા પ્રસારિત ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી સેન્ટરની આસપાસના સીસીટીવીથી પર નજર રાખવામાં આવશે. NEET-UG રી-એકઝામમાં ભાગ લેતા ઉમેદવારોની વધારાની મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા મણિનગર–બાંદ્રા ટર્મિનસ, ઓખા–ગાંધીનગર કેપિટલ અને ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ રૂટ પર એક-એક જોડી નીટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.

જેમાં ટ્રેન નંબર 09472 મણિનગર–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ મણિનગરથી ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 09471 એ જ દિવસે રાત્રે 9:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી રવાના થશે અને 21 જૂને સવારે 6 વાગ્યે મણિનગર પહોંચશે. આ ટ્રેન આણંદ, વિશ્વામિત્રી, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

ટ્રેન નંબર 09554 ઓખા–ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ઓખાથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09553 ગાંધીનગર કેપિટલ–ઓખા સ્પેશિયલ 21 જૂને રાત્રે 8:55 વાગ્યે ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને 22 જૂને સવારે 6:40 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સહિતના સ્ટેશનો પર રોકાશે.

તે જ રીતે, ટ્રેન નંબર 09254 ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી રવાના થશે અને ગાંધીગ્રામ પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 09253 ગાંધીગ્રામ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ 21 જૂને રાત્રે 8 વાગ્યે ઉપડશે અને 22 જૂને રાત્રે 12:35 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો પર રોકાશે.

21 જૂન રવિવારના રોજ યોજાનારી NEET-UG રી-એકઝામ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર કે અન્ય ધાર્મિક પ્રતિકો સાથે જોડાયેલી વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નથી. જો કે, આવા ઉમેદવારોને વધારાની સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande