દેડિયાપાડા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
- પ્રાકૃતિક ખેતી જ માનવ આરોગ્ય, જમીન અને પર્યાવરણના સંરક્ષણનો શ્રેષ્ઠ માર્ગ : સાંસદ મનસુખ વસાવા રાજપીપળા,20 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ, પારદર્શક અને જનકલ્યાણલક્ષી સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવ
દેડિયાપાડા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો


- પ્રાકૃતિક ખેતી જ માનવ આરોગ્ય, જમીન અને પર્યાવરણના સંરક્ષણનો શ્રેષ્ઠ માર્ગ : સાંસદ મનસુખ વસાવા

રાજપીપળા,20 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ, પારદર્શક અને જનકલ્યાણલક્ષી સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલી કૃષિ પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ અંજના વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનો તેમજ દેશના વિકાસમાં ખેડૂતોની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, ખેડૂતો અને નાગરિકોએ વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે સામૂહિક સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના 12 વર્ષના સુશાસન દરમિયાન વિકાસ અને જન કલ્યાણની અનેક યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ્યો છે. તેમણે કહ્યું કે આજના સમયમાં રસાયણયુક્ત ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા, માનવ આરોગ્ય અને પર્યાવરણ સામે ગંભીર પડકારો ઊભા થયા છે.

આવી સ્થિતિમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે સમયની માંગ બની છે. જૂની પરંપરાગત ખેતી પદ્ધતિઓને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડીને કેમિકલમુક્ત અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું શક્ય બનશે. પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નહીં પરંતુ સ્વસ્થ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો આધારસ્તંભ છે.

આ પ્રસંગે આયોજિત વિશેષ કૃષિ પ્રદર્શનમાં સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત વિવિધ પાકો, ઓર્ગેનિક અનાજ, ફળો તથા શાકભાજીનું આકર્ષક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોએ પ્રદર્શનનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિના વિવિધ મોડેલોની જાણકારી મેળવી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), દેડિયાપાડાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી થતા નુકસાન, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ તથા ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને નવીન કૃષિ ટેકનોલોજી, જૈવિક ઇનપુટ્સ અને ટકાઉ ખેતી પદ્ધતિઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા વિવિધ વિભાગો અને સંસ્થાઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પૂર્વમંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande