
બોટાદ, 20 જૂન (હિ.સ.) : પ્રધાનમંત્રી દ્વારા દેશને સંબોધતા ઊર્જા સંરક્ષણ અને ડીઝલ વપરાશમાં ઘટાડા અંગે કરવામાં આવેલા આહ્વાનને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યભરમાં ડીઝલ બચત માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ગઢડા ડેપો ખાતે બીજી વખત ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભાવનગર વિભાગીય યંત્રાલયના સ્ટોર ઓફિસર જીગ્નેશ પંડ્યા, ડેપો મેનેજર એમ. કે. રાઠોડ, એટીઆઈ કમલેશ મુંજપરા, ટ્રાફિક કંટ્રોલર સલીમ મુસાણી સહિત ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક અને સુપરવાઈઝર સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડીઝલ બચત માટે અપનાવી શકાય તેવી વિવિધ પદ્ધતિઓ, વાહનોના યોગ્ય જાળવણીના મહત્વ તેમજ ઇંધણ કાર્યક્ષમતામાં વધારો કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વક્તાઓએ જણાવ્યું હતું કે ડીઝલ બચત માત્ર નિગમના ખર્ચમાં ઘટાડો કરતી નથી, પરંતુ રાષ્ટ્રના આર્થિક વિકાસ અને પર્યાવરણના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. બસોના સંચાલનમાં સાવચેતી રાખવી, વાહનોની સમયસર સર્વિસિંગ કરાવવી, અનાવશ્યક એન્જિન ચાલુ ન રાખવું અને નિયત ગતિએ વાહન ચલાવવું જેવી બાબતો દ્વારા નોંધપાત્ર ડીઝલ બચત શક્ય બને છે.
કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને ડીઝલ બચત અંગે વધુ જાગૃત બનવા તેમજ પોતાના દૈનિક કાર્યમાં ઇંધણ બચતને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત કર્મચારીઓએ પણ ડીઝલ બચત માટે નિગમ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડીઝલ બચત દ્વારા નિગમને વધુ સારું K.M.P.L. (કિલોમીટર પ્રતિ લિટર) પ્રાપ્ત થશે તેમજ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પણ મહત્વપૂર્ણ ફાળો મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA