
પાટણ, 20 જૂન (હિ.સ.) : ગુજરાત સરકારના પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈનો 69મો જન્મદિવસ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવ્યો હતો. ‘108’ તરીકે લોકપ્રિય દેસાઈના સમર્થકો અને શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ, ગાયોને ઘાસચારો, બ્લડ ડોનેશન કેમ્પ, સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફળ વિતરણ તથા બહેરા-મૂંગાની શાળાના બાળકોને ભોજન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કાર્યકરોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.
રણછોડ દેસાઈએ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના દર્દીઓની મુલાકાત લીધી હતી. કિડનીની તકલીફથી પીડાતા બાળક મિહિર મોદીના પરિવારને તેમણે સારવાર અને સરકારી સહાય માટે સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી. આ પ્રસંગે અનેક કાર્યકરો અને શુભેચ્છકોએ રણછોડભાઈ દેસાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મનોજ પટેલ, દેવચંદ પટેલ અને ડો. આદિત્ય પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ