
જામનગર, 20 જૂન (હિ.સ.) : આગામી મોહરમ તહેવાર અને તાજીયાના જુલુસને ધ્યાનમાં રાખીને જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, તાજીયાના પરવાનેદારો, રાજકીય આગેવાનો, જામનગર મહાનગરપાલિકાના નગરસેવકો, વેપારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા સૂચના અપાઈ હતી. ખાસ કરીને, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ ધર્મ વિશે અપમાનજનક પોસ્ટ કરવા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જામનગર પોલીસ વિભાગને જાણ કરવા પણ જણાવાયું હતું. નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાએ મુસ્લિમ સમાજના અગ્રણીઓને તહેવાર શાંતિમય અને હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ નારાયણ ગઢવી, જામનગર ટ્રાફિક શાખાના પીઆઇ સંજય ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt