

પોરબંદર, 20 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરના સર્વાંગી અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ભારતના નવા સંસદ ભવન તેમજ અમદાવાદ રિવરફ્રન્ટ સહિત અનેક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની ટીમે પોરબંદર મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીજીના વિકાસલક્ષી વિઝન તથા મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિવિધ આધુનિક વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત દમણ રિવરફ્રન્ટ સહિત અનેક સફળ પ્રોજેક્ટ્સનો અનુભવ ધરાવતી HCP એજન્સીને પોરબંદરના ભવિષ્યલક્ષી વિકાસ માટે નિમણૂક કરવામાં આવી છે.
એજન્સીની ટીમે મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પોરબંદર ચોપાટી બીચ ફ્રન્ટ વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. ત્યારબાદ વિકાસલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. HCP એજન્સીની આ પોરબંદર ખાતેની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન શહેરના લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખી “પોરબંદર વિઝન માસ્ટર પ્લાન” તૈયાર કરવાની દિશામાં પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરના દરિયાકિનારા વિસ્તારને વધુ આકર્ષક, સુવિધાસભર અને પ્રવાસનને પ્રોત્સાહન આપનાર બનાવવા માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી અને બીચ ફ્રન્ટ વિસ્તારને દમણના દરિયાકિનારા જેવી આધુનિક અને પ્રવાસીઓ માટે આકર્ષક ઓળખ આપવાના ઉદ્દેશ સાથે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દરિયાકિનારે આધુનિક પ્રોમેનાડ (વૉકિંગ ટ્રેક), આકર્ષક ડેકોરેટિવ લાઈટિંગ, બેસવા માટે ગાર્ડન અને ઓપન સીટિંગ ઝોન, સૌંદર્યીકરણ સહિત નાગરિકો અને પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત ચોપાટી વિસ્તારને આધુનિક શહેરી આયોજનના ધોરણો મુજબ વિકસાવી તેને પરિવારજનો, યુવાનો અને પ્રવાસીઓ માટે એક આદર્શ મનોરંજન અને પ્રવાસન સ્થળ તરીકે ઉભું કરવાનું આયોજન છે.
આ આયોજન પૂર્ણ થયા બાદ પોરબંદરની ચોપાટી માત્ર સ્થાનિક નાગરિકો માટે જ નહીં પરંતુ રાજ્ય અને દેશભરના પ્રવાસીઓ માટે પણ એક આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓના નિર્માણ અને પ્રવાસન ક્ષેત્રને નવી ગતિ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શહેરના વિકાસમાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya