
પાટણ, 20 જૂન (હિ.સ.) : પાટણ APMCના ચેરમેન તરીકે પુનઃ વરાયેલા સ્નેહલભાઈ પટેલનું ખાનપુરડા ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શનિવારે રોટલીયા હનુમાનજી મંદિર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોએ તેમને રોટલાથી જોખીને અભિનંદન પાઠવ્યા હતા. ચેરમેન પદે ફરીથી વરણી થયા બાદ સ્નેહલભાઈ પટેલને વિવિધ સામાજિક, રાજકીય અને સહકારી સંસ્થાઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. ખાનપુરડા ગામમાં યોજાયેલ આ કાર્યક્રમ ગ્રામજનોની લાગણી અને તેમના પ્રત્યેના સન્માનનું પ્રતિક બન્યો હતો.
આ પ્રસંગે સ્નેહલભાઈ પટેલે ગામલોકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમને જોખવામાં આવેલા રોટલાઓ અબોલ જીવોને અર્પણ કરવામાં આવ્યા છે. આ સેવાકીય કાર્ય સાથે જોડાવાનો અવસર મળતાં તેમણે આનંદ અને ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ