
ભાવનગર, 20 જૂન (હિ.સ.) : સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત “વિકસિત ભારત સંકલ્પ સંમેલન” અંતર્ગત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખોરાક અંગે જાગૃતિ ફેલાવવા તેમજ વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે રસ અને સમજણ વિકસે તે હેતુથી આજે જેસર તાલુકાના જૂનાપાદર ગામમાં એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા પ્રગતિશીલ ખેડૂત તખતસિંહ મૂળુભા ગોહિલના પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના કરવામાં આવતી ખેતીના ફાયદાઓ, જમીનની ઉર્વરતા જાળવવાની પદ્ધતિઓ, પ્રાકૃતિક ખોરાકનું મહત્વ તથા પર્યાવરણ અને માનવ આરોગ્ય પર તેની હકારાત્મક અસર વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ફાર્મ પર ચાલતા વિવિધ પ્રયોગો, પાકોની સંભાળ અને પ્રાકૃતિક ખેતીના મોડેલનું નિરીક્ષણ કરી ઉત્સાહપૂર્વક માહિતી મેળવી હતી.
આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત સહિતની પદ્ધતિઓ અંગે માહિતી આપી હતી. સાથે જ ટકાઉ કૃષિ વ્યવસ્થાના મહત્વ અને ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીની વધતી જતી જરૂરિયાત અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ માટે આ મુલાકાત શૈક્ષણિક અને પ્રેરણાદાયી સાબિત થઈ હતી. પ્રાકૃતિક ખેતીના જીવંત ઉદાહરણને નજીકથી જોઈ તેઓમાં કૃષિ પ્રત્યે નવી સમજણ અને જાગૃતિ વિકસવા પામી હતી. આવા કાર્યક્રમો દ્વારા નવી પેઢીમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના મજબૂત બનશે તેમજ સ્વસ્થ અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA