





પોરબંદર, 20 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા પ્રગતિપથ યાત્રા અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસલક્ષી અને શૈક્ષણિક પ્રકલ્પોની મુલાકાત લઈ ઉપલબ્ધ સવલતો અંગે સમીક્ષા કરી હતી.
પ્રભારી મંત્રીએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ખાપટ તેમજ નવી ITI બિલ્ડિંગની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સંબંધિત અધિકારીઓ પાસેથી વિવિધ વિકાસકાર્યોની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી
તેમણે વિવિધ માળખાગત સુવિધાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા જનસુવિધા આધારિત પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ અસરકારક રીતે લોકો સુધી પહોંચે તે માટે સંકલિત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય ખાપટ ખાતે મંત્રીએ સંસ્થાની શૈક્ષણિક કામગીરી, ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ અને વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી વિવિધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે ધોરણ-10 અને ધોરણ-12 બાદ કારકિર્દી નિર્માણ માટે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી કેરિયર ગાઇડન્સ સેમિનાર શરૂ કરવાનું સૂચન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બની સ્વચ્છ અને હરિયાળું પોરબંદર નિર્માણ માટેનો સંદેશ આપ્યો હતો
નવી ITI ખાતે મંત્રીએ વિવિધ ટ્રેડના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા લાઇવ ડેમો પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ્સની કાર્યપદ્ધતિ અને ઉપયોગિતા અંગે માહિતી આપી હતી, જેને મંત્રીએ રસપૂર્વક નિહાળી વિદ્યાર્થીઓના કૌશલ્ય અને નવીનતાની પ્રશંસા કરી હતી અને વિવિધ ટ્રેડની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમના અભ્યાસ, તાલીમ તથા રોજગારની તકો અંગે વિદ્યાર્થીઓના મંતવ્યો જાણ્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ,જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya