


છોટાઉદેપુર , 20 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ગામ પાસેથી પસાર થતી પવિત્ર ઓરસંગ નદીમાં નવા નીરની ધમાકેદાર આવક થતાં સમગ્ર પંથકમાં આનંદની હેલી જોવા મળી રહી છે. નદીમાં નવા પાણી આવતા જ ચાલુ વર્ષે ખેડૂતો માટે ખેતી ખૂબ જ સારી નીવડશે તેવી આશા બંધાઈ છે. આ શુભ પ્રસંગે ગ્રામજનોએ એકઠા થઈને પરંપરાગત રીતે જળદેવતાની આરાધના કરી હતી.નદીમાં નવા પાણીના આગમનને વધાવવા માટે બહાદરપુર ગામના ભોઈ સમાજ, સ્થાનિક આગેવાનો તેમજ ગામના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ઓરસંગ મૈયાના પવિત્ર જળના હર્ષોલ્લાસ સાથે વધામણાં કર્યા હતા અને આખું વર્ષ ગ્રામજનો અને અન્નદાતા માટે સુખદાયી, સમૃદ્ધ અને મંગલમય નીવડે તેવી ઈશ્વરને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.આ મંગલ અવસરે ખાસ કરીને ભોઈ સમાજની મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઓરસંગ નદીના કિનારે દોડી આવી હતી. મહિલાઓએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે નવા નીરની પૂજા-અર્ચના કરી, આરતી ઉતારી અને કુમકુમ-અક્ષતથી જળરાશિને વધાવીને ધન્યતા અનુભવી હતી. ઓરસંગ નદીના વહેતા નીરથી નદીનો નજારો ભવ્ય લાગતો હોવાથી, આ નયનરમ્ય દ્રશ્ય નિહાળવા માટે ગામના અબાલ-વૃદ્ધ સૌ કોઈ લોકો મોટી સંખ્યામાં નદીના પટ પર ઉમટી પડ્યા હતા. નવા નીરના આગમનથી ચાલુ વર્ષે ધરતીપુત્રોના પાકને પૂરતું પાણી મળી રહેશે, જેથી સમગ્ર બહાદરપુર પંથકના સ્થાનીય અર્થતંત્ર અને કૃષિ ક્ષેત્રે નવી આશાનો સંચાર થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ