
- 365 દિવસ ફિટનેસનો મંત્ર યોગ એટ નેક્સ્ટ લેવલ
- યોગ દૈનિક જીવનમાં શારીરિક,માનસિક અને ભાવનાત્મક સ્થિરતા લાવે છે: યોગ ટ્રેનર ખ્યાતિ રવાણી
- જમીન પરના અઘરા આસનો એરિયલ હેમોકની મદદે સરળતાથી હવામાં કરી શકાય: યોગ નિષ્ણાત ઋષિતા પરમાર
રાજકોટ,20 જૂન (હિ.સ.) 21 જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસતારીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ઓળખ મળતા વિશ્વના અનેક દેશોમાં યોગ પ્રત્યે જાગૃતિ અને સ્વીકાર બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેથી, યોગ હવે માત્ર એક દિવસની ઉજવણી કે શારીરિક કસરત સુધી જ સીમિત ન રહેતા 365 દિવસ શરીર, મન અને આત્માના સંતુલન માટે એક સંપૂર્ણ જીવનશૈલી તરીકે વિકસી રહ્યો છે.
તણાવ, અનિયમિત જીવનશૈલી અને વધતી માનસિક સમસ્યાઓ વચ્ચે યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાની જરૂરિયાત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
રાજકોટમા કાર્યરત યોગ ટ્રેનર ખ્યાતિ રવાણીએ જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત જીવનમાં ખાસ કરીને મહિલાઓ ઘર, પરિવાર, બાળકો અને વ્યવસાયિક જવાબદારીઓ વચ્ચે સતત સંતુલન સાધવાનો પ્રયાસ કરતી હોય છે. આવા સંજોગોમાં યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક સ્થિરતા પ્રદાન કરતું અસરકારક સાધન બની શકે છે.
તેમણે ઉમેર્યું કે, યોગને માત્ર 21 જૂન પૂરતો સીમિત ન રાખતા વર્ષના તમામ 365 દિવસ માટે જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ. હાલમાં બાળકો અને યુવાનોમાં પણ યોગ પ્રત્યે વધતી જાગૃતિ એક સકારાત્મક સંકેત છે, તેથી જ દરેક માતા-પિતાએ પોતાના બાળકોને નાની ઉંમરથી જ યોગ સાથે જોડવા જોઈએ જેથી તેમનું ભવિષ્ય તંદુરસ્ત અને ખુશહાલ બને.
આધુનિક યુગમાં પરંપરાગત યોગની સાથે અનેક નવી પદ્ધતિઓ અને પ્રયોગો પણ લોકપ્રિય બની રહ્યા છે. તેમાં ‘એરિયલ યોગ’ હાલમાં રાજકોટના ફિટનેસપ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
યોગ નિષ્ણાત ઋષિતા પરમારના જણાવ્યા અનુસાર, એરિયલ યોગમાં ખાસ પ્રકારના સિલ્ક ફેબ્રિકથી બનેલા ‘એરિયલ હેમોક’ (Hammock) ના સહારે હવામાં રહીને વિવિધ યોગાસનો કરવામાં આવે છે. સામાન્ય યોગમાં જેમ બ્લોક્સ અથવા બેલ્ટનો ઉપયોગ થાય છે, તેવી જ રીતે એરિયલ હેમોક શરીરને હવામાં સપોર્ટ આપીને આસનોને વધુ સરળ અને અસરકારક બનાવે છે.
આ પદ્ધતિમાં પણ શ્વાસ નિયંત્રણ, એકાગ્રતા અને શરીર-મનના સંકલન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
હવામાં શરીરને મળતા સપોર્ટના કારણે સ્નાયુઓ અને સાંધાઓને વધુ સારી રીતે સ્ટ્રેચ કરી શકાય છે, જેના કારણે શરીરની ફ્લેક્સિબિલિટી ઝડપથી વધે છે. જમીન પર કરવા મુશ્કેલ લાગતા અનેક આસનો એરિયલ હેમોકની મદદથી સરળતાથી કરી શકાય છે. આ પ્રોપ્સની મદદના કારણે વ્યક્તિ ખૂબ જ ટૂંકા સમયમાં બેઝીક થી લઈને એડવાન્સ સુધી યોગ કરી શકે છે, તેમ શ્રી ઋષિતાએ જણાવ્યું હતું.
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી એરિયલ યોગ ક્લાસિસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને યુવાનો, ગૃહિણીઓ તેમજ ફિટનેસપ્રેમીઓમાં તેની લોકપ્રિયતા વધી રહી છે. જોકે, નિષ્ણાતો સ્પષ્ટ ચેતવણી આપતા જણાવે છે કે એરિયલ યોગ આકર્ષક અને રોમાંચક હોવા છતાં તેની શરૂઆત હંમેશા પ્રશિક્ષિત અને સર્ટિફાઈડ ટ્રેનરની દેખરેખ હેઠળ જ કરવી જોઈએ. એરિયલ હેમોકનો યોગ્ય ઉપયોગ અને જરૂરી સુરક્ષા તકનીકોની સમજ વિના ઘરે કે જાતે પ્રેક્ટિસ કરવાથી ગંભીર ઇજાની શક્યતા રહે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે રાજકોટના સ્નેહા પટેલ, નીલમ ડોડીયા, રાધિકા રાજદેવ અને હાર્દિ વોરાએ રાજકોટિયન્સને સંદેશ આપ્યો છે કે, પરંપરાગત યોગ હોય કે આધુનિક એરિયલ યોગ, બંનેનો મૂળ હેતુ શરીર અને મનને સ્વસ્થ રાખવાનો છે. સ્વસ્થ, સંતુલિત અને આનંદમય જીવન માટે યોગને દૈનિક આદત તરીકે અપનાવવો એ સમયની માંગ છે. જો યોગને નિયમિત જીવનશૈલીમાં સ્થાન આપવામાં આવે તો વ્યક્તિગત સ્વાસ્થ્યની સાથે સમાજના સર્વાંગી વિકાસમાં પણ મોટું યોગદાન મળી રહેશે. 'હેલ્ધી રહો, હેપી રહો – યોગ કરો, રોજ કરો'.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ