

પાટણ, 20 જૂન (હિ.સ.) : પાટણ નગરપાલિકાની નવી પ્રમુખ ચંદ્રિકાબેન રાવળના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં કોંગ્રેસ અને અપક્ષ કોર્પોરેટરોએ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પ્રસ્તાવ પાસ થતાં વિપક્ષે પણ વાંધો ઉઠાવ્યો હતો.
સભામાં વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. ઉપરાંત બોર્ડ સમક્ષ રજૂ કરાયેલા લગભગ 15 વિકાસકામો અંગે ચર્ચા બાદ કેટલાક કામોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ વિપક્ષે તેની પ્રક્રિયા સામે સવાલો ઊભા કર્યા હતા.
અપક્ષ કોર્પોરેટર ભરત ભાટિયાએ શહેરની મુખ્ય સમસ્યાઓ જેવી કે ઉભરાતી ગટરો, કચરાના ઢગલા, બંધ સ્ટ્રીટ લાઇટો અને પીવાના પાણીના પ્રશ્નો પર ચર્ચા ન થતાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કેટલાક વિકાસકામોમાં નિયમો વિના મંજૂરી અપાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
ભાટિયાએ કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક અને ભુગર્ભ ગટર યોજનાના ખર્ચમાં થયેલા વધારાને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે અંદાજિત ખર્ચમાં અચાનક મોટો વધારો કરવામાં આવ્યો હતો અને યોગ્ય ટેન્ડર પ્રક્રિયાનું પાલન થયું નથી.
કોંગ્રેસના કોર્પોરેટર દીપક પટેલે પણ કેટલાક કામોની વિગતો વિપક્ષને ઉપલબ્ધ ન કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ભુગર્ભ ગટરના કામમાં ખર્ચ વધારાને શંકાસ્પદ ગણાવી પારદર્શક પ્રક્રિયાની માંગ કરી હતી.
વિપક્ષે તમામ મોટા કામો ખુલ્લા ટેન્ડર દ્વારા કરવાની અને સમયમર્યાદા નક્કી કરવાની માંગ સાથે ભ્રષ્ટાચાર સામે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ પ્રજાહિત અને વિકાસના મુદ્દાઓમાં સહયોગ આપવાની પણ ખાતરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ