
ગીર સોમનાથ, 20 જૂન (હિ.સ.) : યોગ તન અને મનને સ્વસ્થ રાખવાની સંપૂર્ણ વિજ્ઞાન આધારિત જીવનશૈલી છે. યોગ અને પ્રાણાયામ તણાવ ઘટાડે છે. યોગ એ માત્ર કસરત નથી, પરંતુ સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવન તરફ દોરી જતી એક જીવનશૈલી છે. આ જીવનશૈલીને દૈનિક રૂટિનમાં સમાવેશ કરવા માટે વેરાવળ ચોપાટી ખાતે યોગ દિવસની ઉજવણી પૂર્વે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ગુજરાત રાજયોગ બોર્ડ દ્વારા 250 થી વધુ બહેનો દ્વારા યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને જિલ્લા યોગ કોર્ડિનેટર શારદા બાંભણિયાએ આઈકોનિક પ્લેસ સોમનાથ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે. ત્યારે, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને આ દિવસની ઉજવણીમાં સહભાગી થઈ યોગને ઘર ઘર સુધી પહોંચાડવામાં સહભાગી થાય એવી અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસના અવસરે જિલ્લાના તમામ નાગરિકો ઉત્સાહભેર યોગ સાધનામાં જોડાઈ શકે તે માટે તાલુકા અને નગરપાલિકા સ્તરે પણ વિશેષ સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ