ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જૂનાગઢ શહેરના વિકાસ કામોની સમીક્ષા કરી
-વિકાસના કામોમાં ઢીલાશ દાખલનાર એજન્સીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા રાજ્યમંત્રીના સ્પષ્ટ નિર્દેશ જુનાગઢ 20 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી તથા રાજ્યના ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વિવિધ
જૂનાગઢ શહેરના વિકાસ કામોની સમીક્ષા કરી વિકાસના કામોમાં


-વિકાસના કામોમાં ઢીલાશ દાખલનાર એજન્સીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા રાજ્યમંત્રીના સ્પષ્ટ નિર્દેશ

જુનાગઢ 20 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી તથા રાજ્યના ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વિવિધ વિકાસકાર્યો અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લામાં હાથ ધરાયેલા તેમજ પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટો, રોડ-રસ્તા, ગટર, પ્રવાસન અને અન્ય જનસુવિધાના કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. નરસિંહ વિદ્યામંદિર, પીએચસી ખામધ્રોલ, યોગ સ્ટુડિયો, જીમ, દોલતપરા ખાતે નવા ફાયર સ્ટેશન, મધુરમ હોકર્સ ઝોન, ગાંધીગ્રામ સેન્ટર હોમ સહિત શહેરના વિવિધ પ્રોજેક્ટોની કામગીરી અંગે અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત એજન્સીઓની કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવા અને જરૂર જણાય ત્યાં દંડાત્મક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે અધિકારીઓને દરરોજનો પ્રગતિ અહેવાલ પદાધિકારીઓ અને મહાનગરપાલિકા કમિશનરના ધ્યાને મૂકવા જણાવ્યું હતું. ખાસ કરીને વર્ષ ૨૦૨૭ પહેલાં જૂનાગઢ શહેરમાં રોડ-રસ્તા અને ગટરના એકપણ કામ અધૂરું ન રહે તેની તાકીદ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જીઆઈડીસી ડાયવર્ઝન રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા બાબતે ધ્યાન દોર્યું હતું. જ્યારે અધિકારીઓ દ્વારા મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર કર્મચારીઓની ખાલી જગ્યાઓ અંગેનો મુદ્દો સહ પ્રભારી મંત્રીશ્રીના ધ્યાને મૂકવામાં આવ્યો હતો.

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગ્રંથાલયમાં જરૂરી સુવિધાઓ વધારવા, સ્ટેમ્પ ડ્યુટી સંબંધિત કામગીરીમાં સરળતા લાવવા, શહેરના સર્કલોનું યોગ્ય જાળવણી કાર્ય સુનિશ્ચિત કરવા તેમજ ડિઝાઇન મુજબ એમઓયુની પ્રક્રિયા અમલમાં મૂકવા અંગે સૂચનો કર્યા હતા.

આ તકે કલેક્ટર યોગેશ ચૌધરીએ આગામી પાંચથી દસ વર્ષના આયોજનને ધ્યાનમાં રાખીને વિકાસકાર્યોનું લાંબા ગાળાનું મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

આ તકે બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા તેમજ જનસુવિધાના કાર્યો ઝડપી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ તકે જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, મહાનગરપાલિકા કમિશનર પ્રભવ જોશી (વર્ચ્યુઅલી), ડેપ્યુટી કમિશનર શ્રી ડી જે જાડેજા , જયેશ વાજા સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande