જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સુરત કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ
સુરત, 20 જૂન (હિ.સ.) : સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં કલેકટરએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો નિકાલ નહીં, પણ ઉકેલ આવે તે દિશામાં ક
Surat


સુરત, 20 જૂન (હિ.સ.) : સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં કલેકટરએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો નિકાલ નહીં, પણ ઉકેલ આવે તે દિશામાં કાર્ય કરવા અને સરકારે જે જવાબદારી સોંપી છે તેને નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવા સૌ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈએ કરેલી લાજપોર ચાર રસ્તા પાસે એકસપ્રેસ તથા ઈન્ટરસિટી બસ સ્ટોપેજ આપવાની રજૂઆત સંદર્ભે એસ.ટી.ના વિભાગીય નિયામકે સ્ટોપેજ અંગેનો આદેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ગુજરાત ગેસ કંપની દ્વારા સમયસર બિલો આપવામાં આવતા ન હોવાની રજૂઆત સંદર્ભે ગેસ કંપનીના અધિકારીઓએ યોગ્ય કામ ન કરતી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરીને નવી એજન્સીને કામગીરીની સોંપણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. એકલેરા ગામે બિનઉપયોગી નમી ગયેલા થાંભલાઓને દૂર કરવાની રજૂઆત સંદર્ભે DGVCL દ્વારા ૧૦ દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની બાહેંધરી આપી હતી. ગભેણીથી બુડીયાના રસ્તાની બાજુમાં જમીનોમાં સિન્થેટીક વેસ્ટ કચરાનો સંગ્રહ કરીને સળગાવવામાં આવે છે જેની સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. જે સંદર્ભે જીપીસીબીના અધિકારીએ તાજેતરમાં નવા અમલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના રૂલ્સના આધારે આગામી સમયમાં મનપા સાથે સંકલન કરીને કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત તેમણે ભીમરાડ ગામને રાજય સરકાર દ્વારા પ્રવાસન સ્થળ જાહેર કરીને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જ્યાં બિનઅધિકૃત દબાણોને દૂર કરવા સંદર્ભે કલેકટરએ મામલતદારને દબાણો તત્કાલ દૂર કરવાની સૂચના આપી હતી. ગોડાદરા ખાતે પુરવઠાની કચેરી ઉભી કરવાની રજૂઆત કરી હતી.

ધારાસભ્ય મનુ પટેલે ટેન્કરો દ્વારા ગેરકાયદેસર રીતે પાણી ઉલેચવામાં આવે તે પ્લોટમાં બોરીંગ કરવામાં આવ્યો હોય તેના માલિકો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત પ્રોપર્ટી કાર્ડની કામગીરી અંગેની રજૂઆત સંદર્ભે કલેકટરએ કહ્યું કે, સુરત શહેર-જિલ્લાના તમામ તાલુકાઓમાં આઈ.એલ.આર.(Inspector of Land Records)ની નિમણુંક કરવામાં આવી છે, જેથી આગામી સમયમાં પ્રોપર્ટી કાર્ડની બનાવવાની કામગીરી ઝડપી બનશે.

જયારે ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંતધારાની મિલકત તબદીલ બાબતે રજૂઆત કરી હતી.

ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ઓલપાડના સાયણ ગામમાં રહેણાંક માટેની પરવાનગી મેળવીને કોમર્શીયલ બાંધકામ કરેલ હોઈ, બાંધકામ દૂર કરીને શરતભંગની કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત સાયણ વિસ્તારમાં બ્લોક નં.૫૭૨માં માંસાહારી દુકાનો દ્વારા વેસ્ટેજ- ખરાબ કચરો ફેંકવામાં આવતો હોવાથી અતિશય દુર્ગંધના કારણે આરોગ્ય જોખમાઈ રહ્યું છે, જે સંદર્ભે જિલ્લા કલેકટરએ અધિકારીઓને તત્કાલ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં પીવાના પાણીના અંડર ગ્રાઉન્ડ સમ્પ નાખવામાં આવ્યા છે, પણ પાણીના કનેકશન આપવામાં આવ્યા ન હોવાની રજૂઆત સંદર્ભે કલેકટરએ વાસ્મોના અધિકારીઓને ઝડપથી સ્થળ મુલાકાત લઈને કનેકશન આપવાની તાકીદ કરી હતી.

ધારાસભ્ય ઈશ્વર પરમારે ચોમાસાની ઋતુમાં વરસાદનું પાણી ધામદોડ લુંભા ગામ તથા બારડોલી નગરપાલિકા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,જેથી તત્કાલ ખાડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત ગુજરાત ગેસ કંપની દ્વારા પી.એન.જી. પાઈપ ગેસ કનેકશનની ફી લેવા બાબતે તથા નવા બની રહેલા રિંગરોડનું કામ ઝડપી કરવાની રજૂઆત કરી હતી.

ધારાસભ્ય સંગીતા પાટીલે નીલગીરી મેદાન પર કેટલાક લોકો દ્વારા અમારી જમીન હોવાનું કહીને રેતી, કપચીનો સંગ્રહ કરીને દબાણો કરવામાં આવ્યા છે જેને દૂર કરવાની રજૂઆત સંદર્ભે કલેકટરએ રેલ્વેના અધિકારીઓ સાથે રહીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

જિ.પંચાયત પ્રમુખ સમીર મોદીએ નેત્રંગથી કોળી ભરથાણામાં બિનઅધિકૃત બાંધકામો દૂર કરવા તથા નેશનલ હાઈવે પર ટોલ અંગેની રજૂઆત કરી હતી.

બેઠકમાં જિ.પં.પ્રમુખ સમીર મોદી, ધારાસભ્ય સર્વ સંદિપ દેસાઈ, મનુભાઈ પટેલ, મુકેશ પટેલ, અરવિંદ રાણા, ઈશ્વર પરમાર, સંગીતાબ પાટીલ, જિ.વિકાસ અધિકારી દેવેન્દ્રપ્રકાશ મીના, સુડાના મુખ્ય કારોબારી અધિકારી, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, સંયુકત માહિતી નિયામક અરવિંદ મછાર, પોલીસ અધિકારીઓ તથા તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande