
મુંબઈ, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) મહારાષ્ટ્રના રત્નાગિરીના ગણપતિપુલે દરિયામાં શનિવારે ફરવા આવેલા સંભાજીનગરના આઠ લોકોમાંથી પાંચ લોકો દરિયામાં ગુમ થઈ ગયા છે. ત્રણ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રત્નાગિરી પોલીસ અને ડાઇવર્સની ટીમ ગુમ થયેલા પાંચ લોકોને શોધી રહી છે.
આ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આજે સવારે છત્રપતિ સંભાજીનગરના કેટલાક પ્રવાસીઓ ગણપતિપુલે ફરવા આવ્યા હતા. સવારે તેમાંથી કુલ 8 લોકો દરિયામાં ગયા હતા. અચાનક આવેલા મોજાં અને દરિયાના પાણીના પ્રવાહમાં અચાનક આવેલા બદલાવને કારણે તેઓ તમામ પાણીમાં તણાવા લાગ્યા હતા. જેવી જ સ્થાનિક નાગરિકોને જાણ થઈ કે, પ્રવાસીઓ દરિયામાં ડૂબી રહ્યા છે, સ્થાનિક લાઇફગાર્ડ અને લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. 8માંથી 3 પ્રવાસીઓને દરિયામાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે, બાકીના 5 હજુ પણ ગુમ છે. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ અકસ્માતથી ગણપતિપુલે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક માછીમારો, લાઇફગાર્ડ અને વહીવટીતંત્ર દ્વારા પાંચેય ગુમ થયેલા પ્રવાસીઓને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી, પરંતુ સર્ચ ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ