
સુરત, 20 જૂન (હિ.સ.) : ચાલુ ટ્રેન ધીમી પડતી વખતે મુસાફરોના મોબાઇલ ફોન પાડી ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને સુરત રેલ્વે પોલીસ ( જીઆરપી)એ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 19 મોબાઇલ ફોન કબ્જે કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 1.72 લાખથી વધુ છે. આ કાર્યવાહી દરમિયાન સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના 4 ગુનાઓ પણ ઉકેલાય ગયા છે.
પશ્ચિમ રેલ્વે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેલ્વે ટ્રેનોમાં થતા ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ બાકી રહેલા ગુનાઓ ઉકેલવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાને સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. મીઠાપરાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.તપાસ દરમિયાન કાકરી ખાડી રેલ્વે ટ્રેક નજીક શંકાસ્પદ ઇસમોની હાજરી અંગે બાતમી મળતા પોલીસ ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.અને ત્યાંથી ત્રણ આરોપીઓ શાહિદ અકબર શેખ (ઉ.વ. 18) ,અજીમ ઇસ્માઇલ શેખ (ઉ.વ. 25),અને શુભમ શિવકુમાર પાંડે (ઉ.વ. 20) ને ઝડપી પાડયા હતા.વધુમાં પોલીસે આરોપીઓની તપાસ દરમિયાન તેમની પાસેથી 4 મોબાઇલ ફોન એવા મળી આવ્યા હતા જે સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત અન્ય 15 અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા.આમ પોલીસે કુલ 19 મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા, જેની કુલ કિંમત રૂ. 1,72,490 હોવાનું જાણવા મળ્યું છે.આ કાર્યવાહી દરમિયાન સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે