


પાટણ/અમદાવાદ,20 જૂન (હિ.સ.) પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજ ચૌધરીએ પ્રાકૃતિક કૃષિ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે ખેડૂતો અને સમાજના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા કામરાજભાઈએ જણાવ્યું કે પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીના 12 વર્ષના જનકલ્યાણકારી અને વિકાસલક્ષી કાર્યોના નિમિત્તે યોજાયેલા આ
પરિસંવાદમાં તેમને આમંત્રિત કરવામાં આવ્યા તે બદલ તેઓ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.
તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિનો મૂળભૂત સંદેશ એ છે કે ઝેર ખાવું નથી અને ખવરાવવું નથી
ખેડૂતો જ્યારે આ વાતને હૃદયપૂર્વક સ્વીકારશે ત્યારે જ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે.
રાસાયણિક ખાતર અને જંતુનાશકોના અતિરેક ઉપયોગથી જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્ય પર પડતી અસરને ધ્યાનમાં રાખીને હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જરૂરી બની ગયું છે.
કામરાજભાઈએ વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર માટે ગામેગામ
બેઠકો, પરિસંવાદો અને માર્ગદર્શન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ
સમજાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, આ અભિયાનની સાચી સફળતા ત્યારે જ મળશે
જ્યારે ખેડૂતો પોતે આ પદ્ધતિને અપનાવવાનો સંકલ્પ કરશે.
તેમણે ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું કે પોતાની જમીન, પરિવાર અને આગામી પેઢીના
સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે અને ઝેરમુક્ત ખેતી દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણમાં યોગદાન આપે.
પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોનો વધતો ઝુકાવ એ માત્ર ખેતી પદ્ધતિમાં પરિવર્તન નથી, પરંતુ સ્વસ્થ
જીવનશૈલી અને સમૃદ્ધ ભવિષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ