
સુરત, 20 જૂન (હિ.સ.) : કેન્દ્ર સરકારના સફળ અને ગૌરવશાળી 12 વર્ષ ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ’ પૂર્ણ થવાના અવસરે ઉધના સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ પત્રકાર પરિષદ ગુજરાત રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તેમજ શહેર સંગઠન અધ્યક્ષ પરેશ પટેલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, સાંસદ મુકેશ દલાલ અને મેયર માયાબેન માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ સરકારે મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિઓ, આર્થિક પ્રગતિ, સુદ્રઢ વિદેશનીતિ અને લોકાભિમુખ યોજનાઓની વિસ્તૃત વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી.
કનુભાઈ દેસાઈએ પોતાના સંબોધનની શરૂઆતમાં જનતાના અવિરત વિશ્વાસને બિરદાવતા જણાવ્યું કે, વર્ષ 2014માં દેશે આદરણીય મોદીજી પર ભરોસો મૂક્યો, જે 2019માં વધુ મોટી બહુમતીમાં બદલાયો અને વર્ષ 2024માં સતત ત્રીજી વખત જનતાએ તેમને ચૂંટીને સ્પષ્ટ કરી દીધું છે કે દેશ માત્ર વાયદા નહીં પરંતુ નક્કર કામ જુએ છે. આ જ જન-વિશ્વાસના જોરે આજે એનડીએ (NDA) ગઠબંધન દેશના 22 રાજ્યોમાં જનતાની સેવા કરી રહ્યું છે, જે સાબિત કરે છે કે સમગ્ર દેશ હવે માત્ર ને માત્ર 'વિકાસ અને જનકલ્યાણની રાજનીતિ' સાથે જ જોડાવવા માંગે છે. વર્ષ 2024માં ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાને શપથ લેતાની સાથે જ સર્વપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા, જે એ વાતનો જીવંત પુરાવો છે કે આ સરકાર માટે ગરીબ, ખેડૂત, યુવાન અને મહિલાઓ જ સર્વોચ્ચ ક્રમે છે. સરકારે 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' ના મંત્રને લોકઆંદોલન બનાવી દરેક યોજનાનો 100% લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યો છે, જેના કારણે વિતેલા વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. આ ઉપરાંત, ટેકનોલોજી અને ડિજિટલ ગવર્નન્સ (DBT) ના માધ્યમથી સરકારે લાખો નકલી લાભાર્થીઓને હટાવીને દેશના જનતાના હકના ₹4.31 લાખ કરોડ રૂપિયા ખોટા હાથોમાં જતા બચાવ્યા છે.
આજે સમગ્ર દેશમાં રોજગારી આપવામાં આપણું ગુજરાત સૌથી અગ્રસર અને મોખરે રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખેલા મજબૂત ઔદ્યોગિક પાયા અને રાજ્ય સરકારની ઉદ્યોગ-સાહસિક નીતિઓના પરિણામે ગુજરાત આજે દેશભરના યુવાનો માટે 'લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ' (તકોની ભૂમિ) બન્યું છે. સાણંદમાં સ્થાપિત થઈ રહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ગિફ્ટ સિટીમાં ઉભું થયેલું આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ નેટવર્ક, અને સુરત જેવા ટેક્સટાઇલ તથા ડાયમંડ હબના કારણે આપણે માત્ર પરંપરાગત ક્ષેત્રોમાં જ નહીં, પરંતુ હાઇ-ટેક અને ગ્રીન એનર્જી સેક્ટરમાં પણ લાખો નવી હાઇ-વેલ્યુ નોકરીઓનું સર્જન કર્યું છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે, જે સાબિત કરે છે કે અમારી 'વિકાસની રાજનીતિ' કેવળ કાગળ પર નથી, પણ રાજ્યના લાખો યુવાનોના હાથને ગૌરવપૂર્ણ આજીવિકા આપીને જમીન પર સાકાર થઈ રહી છે
મંત્રીએ દેશની શૈક્ષણિક અને સામાજિક ક્રાંતિ પર ભાર મૂકતા જણાવ્યું કે, ભારત આજે ગુલામીની માનસિકતા અને અંગ્રેજોની જૂની વ્યવસ્થાઓને પાછળ છોડીને સ્વાભિમાન સાથે આગળ વધી રહ્યો છે. લોર્ડ મેકોલે દ્વારા લાવવામાં આવેલી જે શિક્ષણ પદ્ધતિનો મુખ્ય હેતુ ભારતીયોને પોતાની સંસ્કૃતિથી વિમુખ કરવાનો હતો, તે દૂષણને મૂળમાંથી ઉખાડીને વર્તમાન સરકારે 'નવી શિક્ષણ નીતિ' (NEP) અમલી બનાવી છે. આ નીતિ આપણી મૂળભૂત ગુરુકુલ પદ્ધતિના સાંસ્કૃતિક સંસ્કારો અને પ્રખર રાષ્ટ્રવાદની ભાવના સાથે યુવાનોને આધુનિક જ્ઞાન પૂરું પાડે છે. નારી સશક્તિકરણના ક્ષેત્રે વડાપ્રધાને માતૃશક્તિને દેશના વિકાસની મુખ્યધરામાં અગ્રીમ સ્થાન આપ્યું છે. ગ્રામીણ બહેનોને આત્મનિર્ભર બનાવતી 'લખપતિ દીદી' યોજનાનો લક્ષ્યાંક વધારીને 3 કરોડથી વધુ કરવામાં આવ્યો છે, તેમજ વિધાનગૃહોમાં બહેનોને તેમનો હક આપતું ઐતિહાસિક મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) રજૂ કરી દેવાયું છે, જેના વિરોધીઓનું લોકશાહી ઢબે ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ આવી જશે. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ વિપક્ષોની હિંસા અને નકારાત્મક રાજનીતિની સામે જનતા હવે ભારતીય જનતા પાર્ટીના વિકાસના વિઝન સાથે મજબૂતીથી જોડાઈ રહી છે. આંતરિક સુરક્ષાના મોરચે વર્ષોથી દેશના વિકાસને રુંધતા નક્સલવાદ જેવા દૂષણને સરકારે મજબૂત ઈચ્છાશક્તિથી નેસ્તનાબૂદ કરીને પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાનો નવો સૂર્યોદય કર્યો છે.
ગુજરાત અને સુરતના ઔદ્યોગિક કાયાકલ્પ અંગે વાત કરતા નાણામંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આવેલા નીતિગત પરિવર્તનોએ દેશની આર્થિક પ્રગતિને નવી પાંખો આપી છે. આજે ટેકનોલોજી સેક્ટરમાં સ્વનિર્ભરતા લાવવા માટે માઇક્રોન કંપની દ્વારા સાણંદ ખાતે સ્થાપિત થઈ રહેલો દેશનો સર્વપ્રથમ પ્લાન્ટ ગુજરાતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરશે. મુંબઈ અને દિલ્હી જેવા પરંપરાગત આર્થિક કેન્દ્રોની હરોળમાં હવે ગુજરાતનું ગિફ્ટ સિટી (GIFT City) આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ, આર્બિટ્રેશન અને બિલિયન (સોનાના) માર્કેટ માટે વૈશ્વિક કેન્દ્ર બની ચૂક્યું છે. આ ઔદ્યોગિક ક્રાંતિની સમાંતરે આપણા ટેક્સટાઇલ્સ અને ડાયમંડ સિટી સુરતમાં પણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભવ્ય વહીવટી બિલ્ડિંગો અને રોજગારની વ્યાપક તકો ઊભી કરી તેનો કલ્પનાતીત વિકાસ કરાયો છે. આ સર્વગ્રાહી વિકાસયાત્રામાં ગ્રીન એનર્જીને પ્રાધાન્ય આપીને રાજ્યમાં સોલાર પ્રોજેક્ટ્સ તેમજ કોસ્ટલ ડેવલપમેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખો ગરીબોને પક્કા મકાન મળ્યા છે, જ્યારે ડિજિટલ પેમેન્ટ અને ટ્રાન્સપોર્ટ બેન્કિંગ સિસ્ટમથી સરકારી યોજનાઓના 100% લાભો સીધા ગરીબો સુધી પહોંચ્યા છે. આદિવાસી ટૂરિઝમ અને સોમનાથ જેવા ધાર્મિક સ્થળોના ભવ્ય નવનિર્માણથી રાજ્યના GDP ને વેગ મળ્યો છે, તો બીજી તરફ નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે નવી AIIMS હોસ્પિટલ જેવી અત્યાધુનિક સંસ્થાઓનું નિર્માણ કરીને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લોખંડી બનાવવામાં આવ્યું છે.
નાણામંત્રીએ વૈશ્વિક મંચ પર ભારતના વધતા પ્રભાવ અને મજબૂત વિદેશનીતિનો સવિશેષ ઉલ્લેખ કરતા ગર્વભેર જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષમાં દેશની સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીય ગૌરવને એક નવી તેમજ ભવ્ય ઓળખ મળી છે. આજે ભારતની વિદેશનીતિ એટલી મજબૂત અને પ્રભાવશાળી બની છે કે વૈશ્વિક સ્તરે 'ભારતીય પાસપોર્ટ' નું માન-સન્માન (Value) અને શક્તિ અકલ્પનીય રીતે વધી ગયા છે. આજે દુનિયાના કોઈપણ ખૂણે ભારતીય નાગરિક ગર્વથી ઊભો રહી શકે છે. નવા ભારતના બુલંદ વિચારોના પ્રતીક તરીકે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' અને લોકશાહીના ભવ્ય નૂતન સંસદ ભવનનું નિર્માણ કરીને ભારતે વૈશ્વિક મંચ પર પોતાની સ્વાયત્તતા પ્રદર્શિત કરી છે. આ જ મજબૂત વિદેશનીતિના કારણે દેશમાં રૂપિયા 70 લાખ કરોડથી વધુનું ઐતિહાસિક વિદેશી રોકાણ (FDI) આવ્યું છે અને વિશ્વભરમાં ૩૯ નવા ભારતીય દૂતાવાસો ખુલ્યા છે, જે દર્શાવે છે કે આજે સમગ્ર વિશ્વને ભારતની આર્થિક ક્ષમતા પર અડગ ભરોસો છે. દુનિયાના 38 દેશો સાથે કરવામાં આવેલા નવ (9) મુક્ત વેપાર સમજૂતીઓએ (FTAs) ભારતના ખેડૂતો અને સ્થાનિક ઉદ્યોગો માટે વિશ્વબજારના દ્વાર ખોલી દીધા છે. આ સાથે જ, ઇતિહાસના પાનાઓમાં વિસરાઈ ગયેલા આદિવાસી સમાજના મહાનાયક ભગવાન બિરસા મુંડાની જયંતીને “જનજાતીય ગૌરવ દિવસ” ઘોષિત કરીને વંચિત વીરોને સાચું સન્માન અપાયું છે.
અંતમાં મંત્રીએ ઉમેર્યું કે, ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં 10 જૂનનો દિવસ એક અદ્ભુત અને સુવર્ણ સીમાચિહ્ન તરીકે અંકિત થઈ ચૂક્યો છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને પાછળ છોડીને, ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી લોકશાહી ઢબે જનતા દ્વારા 'ચૂંટાયેલા' શાસનાધ્યક્ષ અને વડાપ્રધાન બનવાનું પરમ ગૌરવ હાસલ કરી ચૂક્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ જનતાના તેમના પ્રત્યેના અતૂટ વિશ્વાસ, અવિરત સેવાભાવ અને 'વિકસિત ભારત' ના મજબૂત સંકલ્પને સાકાર કરતી અવિરત વિકાસયાત્રાની પ્રતીતિ કરાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે