
ભાવનગર, 21 જૂન (હિ.સ.) : ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. આ અવસરે ભાવનગર જિલ્લાની જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી શિહોરના નંદ ફાર્મ ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સંકલન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, આરોગ્યકર્મીઓ, યોગપ્રેમીઓ અને વિવિધ વર્ગના લોકો જોડાયા હતા.
કાર્યક્રમની વિશેષતા તરીકે આશરે 50 જેટલી સગર્ભા મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગાભ્યાસ કર્યો હતો. પ્રશિક્ષિત યોગ શિક્ષક હેતસ્વીબેન સોમાણીના માર્ગદર્શન હેઠળ સગર્ભા મહિલાઓ માટે અનુકૂળ અને સુરક્ષિત યોગાસનો તેમજ પ્રાણાયામની વિવિધ ક્રિયાઓ કરાવવામાં આવી હતી. મહિલાઓએ યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાના મહત્વને સમજ્યું અને નિયમિત યોગાભ્યાસ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવતો યોગ માતા અને ગર્ભસ્થ શિશુ બંનેના સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે. યોગથી શરીરમાં લવચીકતા વધે છે, તણાવમાં ઘટાડો થાય છે, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સુદ્રઢ બને છે તેમજ માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. આ કારણે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વધુ આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જા મળે છે.
જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. યોગ દિવસની ઉજવણીમાં સગર્ભા મહિલાઓની સક્રિય ભાગીદારી એ સ્વસ્થ માતૃત્વ અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.
આ કાર્યક્રમ દ્વારા ‘સ્વસ્થ જીવન માટે યોગ’નો સંદેશ વધુ વ્યાપક બન્યો હતો. ઉપસ્થિત મહિલાઓએ યોગને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવવા અને અન્ય મહિલાઓને પણ યોગ માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. યોગ દિવસની આ ઉજવણી આરોગ્ય, જાગૃતિ અને સકારાત્મકતાનો સુંદર સમન્વય બની રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA