છોટાઉદેપુરમાં ‘આપ’માં આંતરિક વિખવાદ: તાલુકા પ્રમુખ પર જીવલેણ હુમલો કરવાના આરોપમાં જિલ્લા પંચાયત સભ્ય રાજેશ રાઠવાની ધરપકડ
છોટાઉદેપુર, 21 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આમ આદમી પાર્ટી (AAP) માં મોટો આંતરિક વિખવાદ અને જૂથવાદ સપાટી પર આવ્યો છે. છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીના જ જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની પો
રાજેશ રાઠવા


છોટાઉદેપુર, 21 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આમ આદમી પાર્ટી (AAP) માં મોટો આંતરિક વિખવાદ અને જૂથવાદ સપાટી પર આવ્યો છે. છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીના જ જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની પોલીસે ધરપકડ કરી લેતા રાજકીય ગલિયારાઓમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ સમગ્ર મામલો પોતાની જ પાર્ટીના પદાધિકારીઓ વચ્ચેના આંતરિક ઝઘડાનો હોવાનું બહાર આવ્યું છે.

મળતી વિગતો અનુસાર, આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર તાલુકા પ્રમુખ શ્રીકુંજે પોતાની જ પાર્ટીના જિલ્લા પંચાયત સભ્ય રાજેશ રાઠવા સામે છોટાઉદેપુર પોલીસ મથકમાં એક ગંભીર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી શ્રીકુંજના આક્ષેપ અનુસાર, જ્યારે તેઓ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમના પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હુમલાની પદ્ધતિ ખૂબ જ ભયાનક હતી, જેમાં ફરિયાદી શ્રીકુંજની કારને આગળ અને પાછળ એમ બંને તરફથી બે અલગ-અલગ ગાડીઓ વડે જોરદાર ટક્કર (ઠોકી) મારવામાં આવી હતી. આ જીવલેણ હુમલા પાછળ આમ આદમી પાર્ટીના ‘ઝેર’ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય રાજેશ રાઠવાનો હાથ હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ગંભીર ફરિયાદના આધારે છોટાઉદેપુર પોલીસ મથકે રાજેશ રાઠવા વિરુદ્ધ આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્વરિત પગલાં ભરીને આરોપી રાજેશ રાઠવાની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપી રાજેશ રાઠવાને સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.કોર્ટની કાર્યવાહી દરમિયાન, આ સમગ્ર હુમલાના ષડયંત્રની પાછળ કયા કારણો જવાબદાર છે અને હુમલામાં કઈ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની સઘન પૂછપરછ માટે પોલીસે કોર્ટ પાસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોલીસની માંગણીને અંશતઃ ગ્રાહ્ય રાખીને આરોપી રાજેશ રાઠવાના સોમવાર બપોરે ૧:૦૦ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

હાલમાં પોલીસે રિમાન્ડના સમયગાળા દરમિયાન આ હુમલા પાછળનો મુખ્ય આશય શું હતો, ગાડીઓ કોની હતી અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરી દીધી છે. એક જ રાજકીય પક્ષના બે મોટા હોદ્દેદારો વચ્ચેના આ લોહિયાળ જંગને કારણે છોટાઉદેપુર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande