
પ્રમુખની વરણીમાં ગેરહાજરીથી ભાજપને ફાયદો, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પ્રદેશ નેતૃત્વની કડક કાર્યવાહી
છોટાઉદેપુર, 21 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા એક ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્ય સહિત કુલ ૬ લોકોને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી દરમિયાન પક્ષના આદેશ (વ્હીપ)નો અનાદર કરીને ગેરહાજર રહેવા અને પક્ષને નુકસાન પહોંચાડવાના આક્ષેપોને પગલે પ્રદેશ નેતૃત્વે આ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કદવાલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (BJP) બંને પાસે ૮-૮ બેઠકો હતી. સમાન સંખ્યાબળને કારણે પ્રમુખ પદની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ અને રસપ્રદ બની હતી. જોકે પ્રમુખની વરણી સમયે આમ આદમી પાર્ટીના કદવાલ બેઠક પરથી ચૂંટાયેલા સદસ્ય રમણ બારિયા પક્ષના વ્હીપનો અનાદર કરીને ગેરહાજર રહ્યા હતા. તેમની ગેરહાજરીના કારણે આમ આદમી પાર્ટી બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહી હતી અને તેનો સીધો લાભ ભાજપને મળતાં તાલુકા પંચાયત પર ભાજપનું શાસન સ્થાપિત થયું હતું.
આ ઘટનાને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વે ગંભીરતાથી લીધી હતી. પક્ષના હિત વિરુદ્ધ કામગીરી કરીને સંગઠનને નુકસાન પહોંચાડનારાઓ સામે ઉદાહરણરૂપ પગલાં લેતાં એક ચૂંટાયેલા સભ્ય સહિત અન્ય પાંચ કાર્યકરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા લોકોમાં કદવાલ બેઠકના તાલુકા પંચાયત સદસ્ય રમણભાઈ શંકરભાઈ બારિયા (સિંગાપુરા, કદવાલ) ઉપરાંત પર્વતભાઈ કાનસિંગભાઈ રાઠવા (ગઢ, ભીખાપુરા), રાજેન્દ્રભાઈ રાયસિંગભાઈ બારિયા (કદવાલ), પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ બારિયા (કદવાલ), મનજીભાઈ ધનસિંહભાઈ રાઠવા (ઝરી, કદવાલ) અને જીવનભાઈ બાલુભાઈ બારિયા (કદવાલ)નો સમાવેશ થાય છે.
આમ આદમી પાર્ટી દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણયથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સાથે જ પક્ષના અન્ય કાર્યકરો અને હોદ્દેદારોને પણ શિસ્તભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ